બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
અદાણી ફાઉન્ડેશન મહિલાઓના ઉદ્યોગસાહસને પ્રોત્સાહન, સશક્તિકરણ અને ટકાઉ જીવનોપાર્જન માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, અદાણી પેટ્રોનેટ, દહેજ ખાતે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સહાય કરાયેલા કુલ આઠ સ્વસહાય સમૂહોએ પોતાના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ વેચાણ માટે મૂકી હતી.
દિવાળી મેળાનું ઉદ્ઘાટન એચ.સી. હિરામટ, હેડ – એન્જિનિયરિંગ સર્વિસ અને શ્રી ઇન્દ્રજીતસિંહ વાળા, હેડ ડ્રાઇ કાર્ગો વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. મેળામાં કંપનીના કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો, સ્વસહાય જૂથના બહેનો અને હસ્તકલા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ મેળામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સહાય કરાયેલા કુલ ૮ સ્વસહાય સમૂહ(SHG) એ ભાગ લીધો હતો. મેરાલી સખીમંડળ (હાથાકુંડી), નવસર્જન સખીમંડળ (કવચિયા), યહામોગી સખીમંડળ (મચમડી), એકતા સખીમંડળ (જોલવા), શિવશક્તિ સખીમંડળ (જાગેશ્વર) અને જય દેવમોગરા ગ્રુપ (હાથાકુંડી) સહિત આસપાસના ગામોના અન્ય સમૂહો પણ જોડાયા હતા.
આ સમૂહોએ હસ્તનિર્મિત અને પર્યાવરણને અનુકૂળ વિવિધ ઉત્પાદનો રજૂ કર્યા હતા. સજાવટી દીવા, મીઠાઈ, ઇન્દ્રાણી ચોખા, દિવાળી ગિફ્ટ આઈટમ, વાંસના કલાત્મક ઉત્પાદનો, ઊનના તોરણ, હાથથી બનાવેલા બેગ અને ડિઝાઇનર ડ્રેસિસ જેવી વિવિધ વસ્તુઓ પ્રદર્શિત કરી ને વેચાણ માટે મૂકી હતી. મેળામાં આવેલા મુલાકાતીઓ તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો અને એક જ દિવસે ₹45,260નું વેચાણ થયું, જે ગ્રામ્ય મહિલાઓના ઉદ્યોગસાહસ માટે પ્રોત્સાહક પ્રારંભ રહ્યો છે.
આ મેળામાં દિવ્યાંગ એવા અક્ષયભાઈ રાઠોડ અને નયનાબેન ચાવડા એ પણ ભાગ લીધો હતો. આ દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા બનાવાયેલા ધૂપ, અગરબત્તી અને વારલી આર્ટ ફ્રેમ્સનું પ્રદર્શન અને વેચાણ કર્યુ હતું. તેમના સ્ટોલને વિશેષ પ્રશંસા મળી હતી, તેમની હિસ્સેદારી સમાનતા, સર્જનાત્મકતા તથા આત્મનિર્ભરતા માટે પ્રેરણારૂપ બની હતી. આ પહેલ દ્વારા ગ્રામ્ય મહિલાઓ તથા દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોને બજારનો અનુભવ, આત્મવિશ્વાસ અને આવકના નવા અવસર પ્રાપ્ત થયા હતા. અદાણી ફાઉન્ડેશન આવી પ્રવૃત્તિઓ દ્વારા મહિલા નેતૃત્વવાળા ઉદ્યોગોનો વિકાસ, સર્વસમાવેશી વૃદ્ધિ અને આત્મનિર્ભર સમાજના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે.