આમોદ નગરમાં જાહેરમાં ઝપાઝપી કરી આતંક ફેલાવનાર ચાર અસામાજીક તત્વોને આમોદ પોલીસે ઝબ્બે કર્યા.
નાહીયેર મેળામાં બાઇક અકસ્માત બાદ ખર્ચા પાણી માટે આમોદમાં જાહેરમાં મારામારી કરી તમાશો કર્યો.
આમોદ નગરમાં શનિવાર રોજ કેટલાક અસામાજીક તત્વોએ આમોદ પોલીસ મથકના ૫૦૦ મીટરની નજીક જ જાહેરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો.તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ મામલે આમોદ પોલીસે વાયરલ વીડિયોની તપાસ કરી જાહેરમાં મારામારી કરી તમાશો કરનારા ટોળામાંથી ચાર ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શ્રાવણ માસના છેલ્લાં શનિવારે હઠીલા હનુમાનજી મંદિર નાહિયેર ખાતે મેળો ભરાયો હતો.જેમાં આસપાસના ગામના અનેક લોકો ઉમટી પડ્યા હતાં.જે મેળામાં બાઇક અથડાવાથી ખર્ચા પાણી માંગવા બાબતે આમોદ નગરમાં પેટ્રોલ પંપના સામે અને આમોદ પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦૦ મીટર નજીક જ કેટલાક અસામાજીક તત્વોએ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર છુટા હાથથી મારામારી કરી હતી અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો.ત્યાર બાદ થોડીક જ વારમાં માર મારનાર ટોળું અને માર ખાનારા લોકો પણ ઘટના સ્થળ ઉપરથી બાઇકો લઈને ગાયબ થઈ ગયા હતા.જો કે આ ટોળાનો મારામારી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.જે વીડિયોને આધારે આમોદ પોલીસે અક્ષય કનુ રાઠોડ રહે.બુવા,જયેશ સુરેશ રાઠોડ રહે.બુવા,વિજય મગન વાઘેલા રહે.બુવા તથા વિશ્વાસ ખોડાભાઈ વસાવા રહે.આમોદની સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રિપોર્ટર: સમીર પટેલ
ભરૂચ