બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
તા.૨૯/૦૯/૨૦૨૪
નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઝાડા ઉલ્ટીના વાવરના દર્દીઓનો આંકડો ૨૬ ઉપર પહોંચ્યો છે. ત્યારે નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સિંગના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના કર્મચારીઓ નેત્રંગ ટાઉનના વિવિધ વિસ્તારોમાં ફરી અને “વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો” પાણીજન્ય રોગચાળાથી બચવા અંગે નાગરિકોને જરૂરી માર્ગદર્શન આપી જરૂરી દવાઓનું વિતરણ કરી રહ્યા છે.
જેમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પાણીને શુધ્ધ કરવા ઉડાળીએ/ -લોરીનની ગોળીનો ઉપયોગ કરવો જોઇએ, શકય હોય તો ઉકાળેલા/ કલોરીનયુકત પાણીનો જ ઉપયોગ કરવો તથા પાણી લેવા માટે ડોયાનો ઉપયોગ કરવો. કલોરીનની ગોળી પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરીને રાખવી. શૌચાલયનો ઉપયોગી અવશ્ય કરવો. જમતા પહેલા અને શૌચક્રિયા બાદ સાબુથી અવશ્યપણે હાથ ધોવા. ગરમ અને તાજો રાંધેલો ખોરાક ખાવો તથા ખોરાક ઢાંકીને રાખવો. મોટા માટલામાં કલોરીનની એક ગોળીનો ભુકો કરી દ્રાવણ બનાવી પાણીમાં નાખી અને અડધા કલાક પછી ઉપયોગમાં લેવું. પીવાના પાણીના તમામ સ્ત્રોતોની આસપાસ સ્વચ્છતા જળવાય તેવી વ્યવસ્થા ગોઠવવી. ઝાડા થાય ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા ઓ.આર.એસ.નો ઉપયોગ કરવો. બીમારીના કિસ્સામાં તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. પીવાના પાણીની લાઇનના લીંકેજીસ તાત્કાલીક રીપેર કરાવવું. તો શુદ્ધ પાણી અનેક સમસ્યાથી બચાવી શકે છે.
વધુમાં જણાવ્યું કે ડહોળા/પ્રદુષિત પાણીનો પીવા માટે ઉપયોગ ટાળવો જોઈએ. ખુલ્લામાં શૌચક્રિયા કરવી નહિ. તીખા, તળેલા, વાસી અને બિન આરોગ્યપ્રદ ખુલ્લા ખોરાકનો ઉપયોગ ન કરવો. અફવાઓનો ફેલાવો તથા નાના બાળકો તથા વૃદ્ધો અને બિમાર વ્યકિતઓનો બિન જરૂરી બહાર જવાનું ટાળવું. ડૉકટરના માર્ગદર્શન સિવાયની બિનજરૂરી દવાઓનો ઉપયોગ ટાળવો. બિમારીના કિસ્સામાં સારવાર કરાવવામાં વિલંબ ન કરવો જોઈએ તેમ જણાવ્યું હતું.