કાંકણપુર આર્ટસ અને કોમર્સ કોલેજમાં કાલિદાસ જન્મોત્સવ અને કોલેજ પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી
ગોધરાના કાંકણપુર સ્થિત શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટ્સ અને શ્રીમતી એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા “કાલિદાસ જન્મોત્સવ – આષાઢસ્ય પ્રથમ દિવસે” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કોલેજ પ્રવેશોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ ડો. પ્રવીણ અમીનના ઉદ્બોધનથી થયો હતો, જેમાં તેમણે મહાકવિ કાલિદાસના સંસ્મરણો તાજા કરીને તેમની વિશિષ્ટતા અને ભવ્યતા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને મેઘદૂતના પાંચ શ્લોકોનું ગાન પણ કરાવ્યું હતું, જેનાથી વાતાવરણમાં શાસ્ત્રીય સુગંધ પ્રસરી ગઈ હતી. ત્યારબાદ ડૉ. ઉષાબેન પટેલે કાલિદાસની દિવ્યતા અને ભવ્યતા વિશે વધુ પ્રકાશ પાડ્યો હતો.
અધ્યક્ષ સ્થાનેથી કોલેજના આચાર્ય ડૉ. જગદીશભાઇ પી. પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. તેમણે કાલિદાસે મેઘ દ્વારા મોકલાવેલા સંદેશાને આજના આધુનિક વોટ્સએપ સાથે સરખાવીને વિદ્યાર્થીઓમાં હાસ્ય રેલાવ્યું હતું. આ સાથે જ, કોલેજમાં સેમ-૩ અને સેમ-૫ માં પ્રવેશ મેળવનારા નવા વિદ્યાર્થીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યની અનુમતિ અને યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સુચારુ સંચાલન ડૉ. પ્રવીણ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ.એસ.એસ. રખિયાણીયાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
આ ઉજવણીએ વિદ્યાર્થીઓને કાલિદાસના સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિના વારસાથી પરિચિત કરાવવાની સાથે સાથે નવા શૈક્ષણિક સત્ર માટે ઉત્સાહપૂર્વક આવકાર્યા હતા.