ભરૂચને મળ્યા નવા કલેક્ટર — ડો. નવનાથ ગવહાણેએ સંભાળ્યો સત્તાવાર ચાર્જ.



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગતરોજ કરવામાં આવેલી આઈએએસ અધિકારીઓની બદલીમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની પણ બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તેમને ગાંધીનગર ખાતે ડાયરેક્ટર, GEDA તરીકે નિમણૂક આપવામાં આવી છે. સાથે જ તેઓ GPCL-UGVCL ના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળશે.
જ્યારે ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડો. નવનાથ ગવહાણેની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક બાદ આજે તેઓ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાના પદનો સત્તાવાર ચાર્જ સંભાળ્યો હતો.
આ પ્રસંગે બદલી પામેલા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નવા કલેક્ટર ડો. નવનાથ ગવહાણેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને જિલ્લા વહીવટ સંબંધિત જરૂરી માહિતી સાથે સત્તાવાર ચાર્જ સુપરત કર્યો હતો. કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ચાર્જ હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
નવા કલેક્ટર ડો. નવનાથ ગવહાણેએ ચાર્જ સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાની જનતાને પારદર્શક, ઝડપી અને અસરકારક વહીવટી સેવા મળે તે માટે તેઓ પ્રતિબદ્ધ રહેશે. વિકાસલક્ષી યોજનાઓનો ગતિશીલ અમલ, લોકોની સમસ્યાઓનું સમયસર નિરાકરણ તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ માણસ સુધી પહોંચે તે માટે પ્રાથમિકતા અપાશે તેવી ભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી.




