ભરૂચ : ગુજરાત રાજ્યભરમાં ચેન સ્નેચિંગને અંજામ આપનાર રીઢા અછોડા તોડની ધરપકડ કરતી પોલીસ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ પોલીસને ચેન સ્નેચિંગને અંજામ આપતા રીઢા આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા હાથ લાગી, આરોપી વૃદ્ધોને પાર્સલ આપવાના બહાને અછોડા તોડતો હોવાનું બહાર આવ્યું
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને ચેન સ્નેચિંગને અંજામ આપતા રીઢા આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા હાથ લાગી હતી.પોલીસ તપાસમાં આરોપી વૃદ્ધોને પાર્સલ આપવાના બહાને આછડા તોડતો હોવાનું બહાર આવ્યું હતું.
ભરૂચ શહેરના તુલસીધામ પાસેની ચિત્રકૂટ સોસાયટીમાં એક વૃદ્ધ મહિલાને પાર્સલ આપવાના બહાને ઘર બહાર બોલાવ્યા હતા,અને એક્ટિવા પર આવેલો ગઠિયો મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.જોકે ઘટના અંગે શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ઘટના અંગેની જાણ થતા પોલીસે શીતલ સર્કલથી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં વોચ ગોઠવી હતી,અને તે દરમિયાન એક સફેદ એક્ટિવા પર શંકાસ્પદ ઈસમ પસાર થતા પોલીસે તેને રોકીને સઘન પૂછપરછ કરી હતી.
પોલીસ દ્વારા એક્ટિવા સવાર કિશોર ઉર્ફે અજય મોહન માછી રહેવાશી વડોદરાનાઓની ધરપકડ કરીને સઘન તપાસ આરંભી હતી.આ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.જેમાં આરોપી કિશોર માછીએ ગુજરાતભરમાં 20 જેટલી ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.વધુમાં તાજેતરમાં જ વડોદરામાં પણ પાર્સલ આપવાના બહાને એક વૃદ્ધની પણ ચેન તોડી હોવાની કબૂલાત કરી હતી.
હાલ પોલીસે પાર્સલ આપવાના બહાને ચેન સ્નેચિંગને અંજામ આપવાની મોડ્સ ઓપરેન્ડી અજમાવતા આરોપી કિશોર માછીની ધરપકડ સાથે રૂપિયા 40 હજારની કિંમતનું એક્ટિવા જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.



