ભરૂચ: તમામ સરકારી કચેરીઓમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસકર્મીઓ તૈનાત કરાયા
સમીર પટેલ, ભરૂચ
રાજ્યના પોલીસવડાએ આપેલી સૂચનાના આધારે ભરૂચ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈ અવાર નવાર ટકોર કરવામાં આવતી હોય છે પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી. સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં, તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવા સૂચના આપી હતી જે અંતર્ગત ભરૂચ પોલીસ એક્શનમાં આવી હતી. ભરૂચ પોલીસ દ્વારા આજરોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ, કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલોમાં ટુ વહીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસવડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમરકસી છે.