BHARUCHJHAGADIYA

ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકાઓમાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને આંબાકલમ સહિત અન્ય કલમોના વિતરણમાં ગેરરીતિની બુમ

ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકાઓમાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને આંબાકલમ સહિત અન્ય કલમોના વિતરણમાં ગેરરીતિની બુમ

 

ઝઘડિયાના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ રજુઆતને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાતા ચકચાર

 

ઝઘડિયા તા.૭ જાન્યુઆરી ‘૨૬

 

રાજ્ય સરકારની બાગાયત યોજના હેઠળ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આદિજાતિ ખેડૂતોને આંબાકલમ (ડબ્બા કલમ), બોના કોકોનેટ,વલસાડી ચીકુ સહિત વિવિધ કલમો આપવાની યોજના છે. આ યોજના હેઠળ અલગઅલગ એજન્સીઓના માધ્યમ દ્વારા ખેડૂતોને આંબાકલમ સહિત વિવિધ કલમોનું વિતરણ કરવામાં આવતું હોય છે. ભરૂચ જિલ્લાના આદિવાસી પટ્ટી ગણાતા ઝઘડિયા,વાલિયા અને નેત્રંગ તાલુકાઓમાં આત્મા પ્રોજેકટના અમલીકરણ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન આદિજાતિ ખેડૂતોને આપવામાં આવેલ કલમોના વિતરણમાં ગેરરીતિઓ થઇ હોવાનું સામે આવ્યું હતું,જેને લઇને ઝઘડિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીતેશભાઇ વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રના ત્રણ તાલુકાઓ ઝઘડિયા,વાલિયા અને નેત્રંગ તાલુકાઓમાં આત્મા પ્રોજેક્ટ હેઠળ થયેલ ગેરરીતિઓ બાબતે તપાસની માંગ કરી હતી. ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલ લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે આ યોજના માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી,જેની કામગીરી ટેન્ડરના ધારાધોરણ મુજબ થઇ નહતી,અને ખેડૂતોને નબળી ગુણવત્તાવાળી કલમો આપવામાં આવી હતી,અને ત્યારબાદ એજન્સીઓને નાણાંની ચુકવણી પણ કરી દેવાય હતી,તેથી આ બાબતે યોગ્ય તપાસ કરી સંબંધિત એજન્સીઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી હતી. દરમિયાન ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ રજુઆતને પગલે જિલ્લા પ્રાયોજના વહિવટદાર દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ,જિલ્લા બાગાયત અધિકારી ભરૂચ તથા આદિજાતિ વિકાસ અધિકારીને આ બાબતે સત્વરે તપાસ કરી અમલ કરવા જણાવાતા ચકચાર મચી જવા પામી હતી.

Back to top button
error: Content is protected !!