ખેડૂત સમિતિની મદદથી 450 ખેડૂતોને સંમતિ એવોર્ડ: ભરૂચ જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારનો ખેડૂતોએ આભાર માન્યો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિના સહયોગથી ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરાતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અંદાજે 450 જેટલા ખેડૂતો અને વિધવા બહેનોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ સ્વીકારવા માટે સમજાવવામાં આવ્યા હતા. જેના અનુસંધાને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંમતિ પ્રક્રિયા યોજાઈ હતી,જેમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, કલેકટર ગૌરાંગ મકવાણા અને પાર્થ જયસવાલ દ્વારા ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય વળતર મળવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા. આ અવસરે ખેડૂત સમન્વય સમિતિના હિરેન ભટ્ટ સહિત ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




