ભરૂચમી જુમ્મા મસ્જીદમાં અજમેર બોમ્બ કાંડનો આરોપી મસ્જિદના છત પર ચપ્પલ સાથે પ્રવેશતા વિવાદ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં શનિવારના રોજ ચક્રધર સ્વામીના અનુયાયીઓ મુલાકાતે આવ્યા હતા. પરતુ તેમની સાથે ભરૂચના ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ પહોંચતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો હતો.જેને લઇને સોમવારના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.
ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જીદમાં શનિવારે બનેલી ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો છે.ભરૂચની જુમ્મા મસ્જિદ ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાની દાવો કરવામાં આવ્યો છે.જેને લઇને ઘણા સમયથી ચક્રધર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રથી આ સ્થળની મુલાકાત કરવાં માટે આવતા હોય છે.તા.13 સપ્ટેમ્બર 2025ના રોજ મસ્જીદમાં મહારાષ્ટ્રથી દર્શનાર્થીઓ પહોંચ્યા હતા,જે દરમિયાન પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવેશ પટેલ ઉર્ફે મુકતાનંદ સ્વામી પણ અંદર પ્રવેશ્યા હતા.
આ ભાવેશ પટેલ 2007ના અજમેર બોમ્બ કાંડમાં આરોપી રહી ચૂક્યા છે અને હાલ જામીન પર છે.સ્થાનિક સમુદાયના જણાવ્યા મુજબ,તેઓએ મસ્જીદના ગર્ભગૃહમાં પ્રવેશીને મસ્જિદના છત સુધી ચપ્પલ પહેરીને જ પહોંચ્યા હતા.આ ઘટનાથી મુસ્લીમ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો.
મસ્જીદના વહીવટકર્તાઓ તથા આગેવાનો દ્વારા પોલીસ પ્રશાસનને સહકાર આપવામાં આવ્યો હતો, છતાં આ ઘટનાને પગલે ધાર્મિક સ્થળની પવિત્રતા ભંગ થવાની લાગણી ઉઠી છે.મુસ્લીમ આગેવાનો દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.જેના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચા આગેવાનો તથા જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા.તેઓએ માગ કરી છે કે,સમાજમાં ભાઈચારો, શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચિંતા વ્યકત કરતા સ્થાનિક મુસ્લીમ સમુદાયે આ ઘટનાનો વિરોધ કર્યો છે.સાથે જ આવી ઘટનાનું પુનઃ ન બને તેવી માગ કરી છે.