ભરૂચમાં આદિવાસી સમાજનુ કલેક્ટરને આવેદનપત્ર, ન્યાયની માંગ..
સમીર પટેલ, ભરૂચ
કોસંબા નજીક આવેલી પી.પી.સવાણી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવા પર થયેલા હુમલાની ઘટના બાદ ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે આજે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી કૂચ કરીને સમાજના આગેવાનો મહેશ વસાવા,ફતેસિંગ વસાવા, ધનરાજ વસાવા, અનિલ ભગત, રાજ વસાવા સહિતના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તનુજ વસાવાએ પોતાની ગાડી પર “વસાવા” લખાવ્યા બાદ અન્ય વિદ્યાર્થીઓએ તેના પર હુમલો કર્યો હતો.બાદમાં અંકલેશ્વર જીઆઈડી સીમાં પણ તેને માર મારવામાં આવ્યો હતો.આ બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવા છતાં પોલીસે તેમજ યુનિવર્સિટી સંચાલકોએ માથાભારે વિદ્યાર્થીઓને છાવરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આદિવાસી સમાજે કલેક્ટરને રજૂઆત કરીને માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી ઉચ્ચારી છે કે જો ઝડપી પગલાં નહીં લેવામાં આવે તો આંદોલનનું આયોજન કરવામાં આવશે.