ANKLESHWARBHARUCH

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાને મળી રૂ. ૪૮૨ કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ : સુરક્ષા, સુવિધા અને વિકાસનો સૂર્યોદય

અંકલેશ્વર GIDC ખાતે “પ્રોજેક્ટ અસ્મિતા” અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ૧૩ કંપનીઓના સહયોગથી ૫૨૬ દીકરીઓને નિમણૂકપત્રો એનાયત કરાયા
******
ભરૂચ પોલીસ માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ પ્રજાના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં પણ મહત્વની ભાગીદાર બની રહી છે – નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
**
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ રિકવર કરાયેલ તમામ મુદ્દામાલ મૂળ માલિકને ચેક સ્વરૂપે પરત સોંપાયો
*******
ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી, ઔદ્યોગિક સંરક્ષણ અને વિકાસને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી અંકલેશ્વર GIDC, ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે જિલ્લાને રૂ. ૪૮૨ કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે.

મહિલાઓની સુરક્ષા, સન્માન અને આર્થિક સ્વાવલંબન માટે ભરૂચ પોલીસની પ્રશંસનીય પહેલ “પ્રોજેક્ટ અસ્મિતા” અંતર્ગત ભરૂચ જિલ્લાની ૧૩ કંપનીઓના સહયોગથી ૫૨૬ જેટલી દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂકપત્રો નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં G.F.L. કંપનીમાં થયેલ રૂ. ૩.૧૬ કરોડથી વધુની ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દેવામાં આવ્યો હતો. જે અંર્તગત “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ રિકવર કરાયેલ તમામ મુદ્દામાલ મૂળ માલિકને ચેક સ્વરૂપે પરત સોંપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ભરૂચ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, આપણું વહીવટી તંત્ર પણ રીત-રિવાજ, સંસ્કાર અને વિકાસના કાર્યો આ બધા જ વિષયોને સાથે લઈને આગળ વધનારું વહીવટી તંત્ર છે. જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ઝડપી વિકાસ કાર્યો થઈ રહ્યા છે. નાનામાં નામી સમસ્યાઓ અને વહીવટી પ્રણાલીના પડકારો વચ્ચે પણ સરકાર અને પોલીસ તંત્ર નાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે ખભેથી ખભો મિલાવીને ઉકેલ લાવવા માટે કટિબદ્ધ છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવી, તહેવારો દરમિયાન શાંતિ અને સુમેળ ભર્યું વાતાવરણ જાળવવું તેમજ અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરીને પોલીસ પ્રજાના સાચા મિત્ર તરીકેની પોતાની ભૂમિકા સાર્થક કરી રહી છે.

વધુમાં, ગેરકાયદે વ્યાજખોરોના દૂષણમાંથી સામાન્ય નાગરિકોને મુક્તિ અપાવવી, જટિલ કાનૂની પ્રક્રિયા વગર જ નાણાં પરત અપાવવા અને ચોરી થયેલા માલસામાનની ઝડપી રિકવરી કરીને માલિકોને પરત સોંપવા જેવા પ્રજાભિમુખ કાર્યો પોલીસે હાથ ધર્યા છે.

ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વિશેષ ભરતી કેમ્પ યોજીને સ્થાનિક મહિલાઓને વિવિધ ઉદ્યોગોમાં સીધી નોકરી અપાવવાની સરાહનીય પહેલ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાની ૫૦૦થી વધુ મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. સામાન્ય અભ્યાસ ધરાવતી કે ઉચ્ચ શિક્ષિત મહિલાઓને રૂ. ૧૭,૦૦૦ થી વધુનો પ્રારંભિક પગાર મળતો થતાં, અનેક પરિવારોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં વ્યાપક સુધારો આવ્યો છે. ભરૂચ પોલીસ માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ પ્રજાના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં પણ મહત્વની ભાગીદાર બની રહી છે.

વધુમાં તેમણે લોકાર્પણ અને ખાતમુહૂર્તની વાત મૂકતા જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લા અને ખાસ કરીને અંકલેશ્વર તથા આસપાસની ઔદ્યોગિક વસાહતો માટે ખૂબ જ મહત્વના કુલ રૂા. ૪૮૨ કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં ટ્રાન્સપોર્ટ નગર બનીને તૈયાર છે, જ્યાં ૫૧૦ થી વધુ ટ્રકોનું પાર્કિંગ થઈ શકશે, જેનાથી ટ્રાફિકનું ભારણ ઘટશે. ૩,૦૦૦ ચોરસ મીટરનું વેરહાઉસ અને ૧૪૪ જેટલા નવા ઔદ્યોગિક શેડો ઊભા કરવામાં આવ્યા છે, જેથી MSME ઉદ્યોગોને મોટો ફાયદો થશે. જિલ્લાના જંબુસરના બલ્ક ડ્રગ પાર્કમાં ૪૦ MLD ની ક્ષમતા ધરાવતી પાણી પુરવઠા યોજના પૂર્ણ થઈ છે. ઔદ્યોગિક વસાહતોમાં સુરક્ષા માટે ૧,૮૯૫ જેટલી સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે.

વિકસિત ભારત ૨૦૪૭ અને ભવિષ્યનું આયોજન પર ભાર મૂકતા તેમણે ભરૂચ અને ગુજરાત દેશના ઉત્પાદન ક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર છે. ‘ઝીરો ડિફેક્ટ’ સાથે વૈશ્વિક સ્તરનું ઉત્પાદન કરવા પર ભાર મૂકી મેન્યુફેક્ચરિંગ માટે ભારતના દીર્ધદષ્ટાં શ્રી વડાપ્રધાનને યાદી કર્યા હતા. ભરૂચ ગુજરાતનું હાર્ટ છે. હાઇસ્પીડ રેલ, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને બંદરોના વિકાસથી કનેક્ટિવિટી મજબૂત થઈ છે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે. ઇનોવેશન અને નવી ઔદ્યોગિક નીતિ હેઠળ સંશોધન અને વિકાસ (R&D) તથા પેટન્ટ મેળવવા માટે મોટા પ્રોત્સાહનો (Incentives) આપવામાં આવી રહ્યા છે. જેનો લાભ મેળવવા ઉદ્યોગપતિઓને તેમણે અનુરોધ કર્યા હતો.

અંતે, આવનારો સમય ભારતનો છે અને ભારતના આ સમયમાં ગુજરાત વધુમાં વધુ સાથે મળીને આ યાત્રાને ઝડપથી આગળ વધારે તે માટે આપણું તંત્ર ટીમ તરીકે કાર્ય કરી રહ્યું છે. આપ સૌ તમારા સપનાઓ સાકાર કરો અને ઉદ્યોગ ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરો તેવી જ શુભકામનાઓ પાઠવી હતી!

ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે કાર્યક્રને અનુરૂપ પ્રાંસગિગ ઉદ્બોધન કર્યું હતું.

આ કાર્યક્રમ પ્રસંગે, જિલ્લા કલેક્ટરશ્રી નવનાથ ગવ્હાણેએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.

આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ બેન રાજ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી અરૂણસિંહ રણા, ડી. કે. સ્વામીજી, રિતેશભાઈ વસાવા, GIDC ના વાઈઝ ચેરમેન અને CEO પ્રવિણા મેડમ પ્રભાવ જોશી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે અને ઉદ્યોગપતિઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!