ભરૂચ જિલ્લામાં આજે ટોલ ટેક્સ મુદ્દે સ્થાનિક ટ્રાવેલ્સના ડ્રાઇવરો દ્વારા ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો.




સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં આજે ટોલ ટેક્સ મુદ્દે સ્થાનિક ટ્રાવેલ્સના ડ્રાઇવરો દ્વારા ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક ટ્રાવેલ્સના ડ્રાઇવરો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો હતો.
ભરૂચ જિલ્લાના મુલદ ટોલ પ્લાઝા પર લોકલ ટ્રાન્સપોર્ટના સંચાલકો અને ડ્રાઇવરો ટોલ ન ભરવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ડ્રાઇવરો દ્વારા બસોને ટોલ પ્લાઝા પર જ ઉભી રાખતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.
આ વિરોધના પગલે મુલદ ટોલ પ્લાઝાથી મુલદ ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે મુસાફરો અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રાવેલ્સ સંચાલકોનો આક્ષેપ છે કે લોકલ વાહનો પરથી ટોલ વસૂલવો યોગ્ય નથી અને તેમને ટોલ ફ્રી કરવામાં આવવું જોઈએ.
ડ્રાઇવરોનું કહેવું છે કે બ્રિજ પર વાહન બગડેલા હોય તો તેને સમયસર હટાવવામાં આવતું નથી, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે વારંવાર બે-બે કલાક સુધી જામમાં ફસાવું પડે, ત્યારે ટોલ ચૂકવવાનો કોઈ અર્થ રહેતો નથી.
ડ્રાઇવરો દ્વારા લોકલ ટ્રાવેલ્સની બસોને ટોલ ફ્રી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. જોકે, ટોલ પ્લાઝા સંચાલકોનો દાવો છે કે સરકારના નિયમો મુજબ જ ટોલ વસૂલવામાં આવી રહ્યો છે.
સ્થળ પર પોલીસ તાત્કાલિક પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને ટ્રાફિકને ધીમે ધીમે સામાન્ય બનાવ્યો હતો. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.




