BHARUCHBHARUCH CITY / TALUKO

₹430 કરોડનો નર્મદા મૈયા બ્રિજ ‘સુસાઇડ પોઈન્ટ’!:હવે ભરૂચવાસીઓની આત્મહત્યા રોકવા બ્રિજ પર જાળી લગાવવા અને પોલીસ બંદોબસ્તની માગ, અત્યાર સુધી 40 લોકોનો આપઘાત

ભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઈડ બ્રિજ બન્યો હોય તેમ હાલમાં લાગી રહ્યું છે. શહેરના જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા ત્રણથી વર્ષથી તેના પર લોખંડની જાળી અથવા તો અવરોધ લગાવાય તેવી માગ લોકો કરી રહ્યા છે. છતાંય તંત્ર દ્વારા હજીય કોઈ પણ કામગીરી નહીં કરાતા હજીય લોકો બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી મોતને વ્હાલું કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે તંત્ર જાગે તેવી માગ ભરૂચવાસીઓ અને જાગૃત નાગરિકો કરી રહ્યા છે.
આ અંગે સ્થાનિક જાગૃત નાગરિક યોગી પટેલે જણાવ્યું હતું કે, “આ બ્રિજ ગુજરાતમાં આત્મહત્યાનું કેન્દ્ર બની ગયું છે. અનેક રજૂઆતો છતાં આજે સુધી જાળી કે અવરોધ માટે કોઈ સખત પગલાં લેવામાં આવ્યા નથી.” તેમનું કહેવું છે કે તેઓએ રાજ્ય સરકાર, જિલ્લા પ્રશાસન અને માર્ગ-મકાન વિભાગને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે.તેમ છતાંય આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરાઈ નથી.
જ્યારે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ પણ જણાવ્યું કે, “હાલ સુધી અંદાજે 35થી 40 લોકો નદીમાં ઝંપલાવ્યું છે. કેટલીક જગ્યાએ જેવી કે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં બ્રિજો પર આત્મહત્યા રોકવા માટે જાળીઓ લગાવવામાં આવી છે, ત્યારે નર્મદા મૈયા બ્રિજ પર એ જ પગલાં કેમ લેવામાં આવતા નથી?.”વધુમાં તેમણે માંગણી કરી કે તાત્કાલિક રૂપે બ્રિજની બંને બાજુ જાળી લગાવવી જોઈએ, સતત પોલીસ બંદોબસ્ત રાખવો જોઈએ અને સીસીટીવી સાથે નદીના પાયા નજીક ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ પણ મુકવી જોઈએ, જેથી જીવ બચાવી શકાય.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર નિર્મિત રૂ. 430 કરોડના ખર્ચે બનેલો નર્મદા મૈયા બ્રિજ આજકાલ આત્મહત્યાના બનાવો માટે ચર્ચામાં છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વધતાં વાહન વ્યવહારના દબાણને ધ્યાને લઈ વર્ષ 2015માં ચાર માર્ગીય બ્રિજનું નિર્માણ શરૂ થયું હતું અને 6 વર્ષ બાદ, 12 જુલાઈ 2021ના રોજ નર્મદા મૈયા બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો હતો. પરંતુ હાલની સ્થિતિએ આ બ્રિજ જાણે ‘સુસાઇડ પોઈન્ટ’માં પરિવર્તિત થયો હોય તેમ લાગી રહ્યું છે.
આ બ્રિજ પરથી વારંવાર લોકો નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. કેટલીકવાર તાત્કાલિક મદદ મળતા નાવિકોએ કેટલાકને બચાવ્યા પણ છે, જ્યારે ઘણા લોકો મોતને ભેટ્યા છે. ચિંતાજનક વાત એ છે કે અહીં ભરૂચ જ નહીં,પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો મૃત્યુને વ્હાલું કરવા આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!