પાલેજ પોલીસે લક્ઝરી બસમાંથી દારૂ ઝડપ્યો:બે આરોપીઓની ધરપકડ, રૂ.7.34 લાખનો મુદ્દામાલ જપ્ત

સમીર પટેલ, ભરૂચ
ભરૂચની પાલેજ પોલીસે એક લક્ઝરી બસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ ₹7.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પાલેજ પોલીસ મથકના પીઆઈ એ.એ. ચૌધરીને ગુપ્ત માહિતી મળી હતી કે, ‘શિવ લહેરી ટ્રાવેલ્સ’ નામની લક્ઝરી બસ (નંબર GJ-12 BX-7583) નવસારીથી મોરબી તરફ જઈ રહી છે. આ બસનો ડ્રાઈવર અને ક્લીનર સુરતથી વિદેશી દારૂનો જથ્થો મોરબી લઈ જઈ રહ્યા હતા. આ માહિતીના આધારે, પોલીસે નેશનલ હાઈવે નંબર 48 નજીક ન્યુ બલવાસ હોટલ પાસે વોચ ગોઠવી હતી. બસ આવતા તેને રોકવામાં આવી અને તેની ડેકીમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી દેવા કાનાભાઈ બાળા (આહિર) અને જેન્દ્ર નરસિંહભાઈ પટેલ નામના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹25,610ની કિંમતનો દારૂ અને બિયર, ₹5,500ના બે મોબાઈલ ફોન, ₹2,900 રોકડા અને ₹7,00,000ની લક્ઝરી બસ સહિત કુલ ₹7,34,010નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાલેજ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



