NALSA અને MCPC દ્વારા આગામી 90 દિવસ માટે મીડિયેશન ફોર ધ નેશન ઝુંબેશનો પ્રારંભ કરાયો

4 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠાના નાગરિકોને ઝુંબેશનો લાભ લેવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી કરાયો અનુરોધ રાજ્યભરના ન્યાયાલયો દ્વારા ન્યાયિક સુધારાના ભાગરૂપે નાલસા (NALSA) તથા મેડીયેશન એન્ડ કન્સિલિએશન પ્રોજેક્ટ કમિટી (MCPC)ના સંયુક્ત ઉપક્રમે “મીડિયેશન ફોર ધ નેશન” ઝુંબેશનો પ્રારંભ કરાયો છે. આ ઝુંબેશ આગામી 90 દિવસ સુધી સમગ્ર રાજ્યની તમામ તાલુકા કોર્ટ, જિલ્લા કોર્ટ તથા હાઇકોર્ટમાં શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત તાકીદના અને સમાધાન લાયક પડતર કેસોને મધ્યસ્થીકરણ પદ્ધતિ દ્વારા સુખદ રીતે ઉકેલવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ ઝુંબેશ હેઠળ ખાસ કરીને નીચે પ્રકારના કેસોમાં મધ્યસ્થીકરણનો ઉપયોગ કરાશે, જેમાં લગ્ન જીવનની તકરાર, અકસ્માત વળતર દાવાઓ, ઘરેલુ હિંસાના કેસો, ચેક બાઉન્સના કેસો, કોમર્શિયલ વિવાદોના કેસો, સર્વિસ મેટર, ફોજદારી કેસો (સમાધાન લાયક), ગ્રાહક તકરારના કેસો, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદનના કેસો, બીજા અન્ય તમામ સમાધાન લાયક સિવિલ કેસોનો સમાવેશ થાય છે.આ ઝુંબેશને નામદાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી બી. આર.ગવાઈ તથા ન્યાયમૂર્તિ શ્રી સૂર્યકાંત, કારોબારી અધ્યક્ષ – નાલસાના માર્ગદર્શન હેઠળ કેસોનો ત્વરિત નિકાલ થાય તે હેતુથી અમલમાં મૂકવામાં આવી છે.બનાસકાંઠાના તમામ નાગરિકોને આ ઝુંબેશનો લાભ લેવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી અનુરોધ કરાયો છે. પોતાનો કેસ જે કોર્ટમાં પડતર હોય તે કોર્ટમાં અરજી કરી મધ્યસ્થીકરણ માટે રિફર કરવા વિનંતી કરવામાં આવી છે.







