BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચમાં મોસમનો પ્રથમ વરસાદ:નબીપુર-બંબુસર સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ, ગરમીમાંથી રાહત


ભરૂચ જિલ્લામાં મોસમનો પ્રથમ વરસાદ નોંધાયો છે. આજે સાંજના સમયે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ ની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો જેના કારણે નબીપુર ઝનોર માર્ગ પર મોટા પાયે ઝાડ ધરાશાયી થયા હતા જેને તાત્કાલિક ધોરણે દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો હતો.
ભરૂચ તાલુકાના નબીપુર અને બંબુસર વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે વરસાદ નોંધાયો હતો. સવારથી શહેરમાં ભારે બફારાયુક્ત વાતાવરણ હતું અને તાપમાન ઊંચું નોંધાયું હતું. સાંજના સમયે પવન ફૂંકાવા સાથે શરૂ થયેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી. ભરૂચ સ્ટેશન વિસ્તાર સહિત શહેરના અન્ય ભાગોમાં પણ વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.




