બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા:ચોક્સીના ઘરનું તાળું તોડીને રૂપિયા 8.70 લાખના મત્તા ચોરીને ફરાર, પોલીસ તપાસ શરૂ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના શેઠ ખડકી વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય સોના-ચાંદીના વેપારી હિતેશચંદ્ર વિનોદચંદ્ર ચોકસીના મકાનમાંથી તાળું તોડી ચોરોએ રૂપિયા 8.70 લાખની મત્તાની ચોરી કરી છે.
મળતી માહિતી મુજબ, હિતેશચંદ્ર ચોકસી તેમની પત્ની ગીતાબેન સાથે જંબુસર સોની ચકલા ખાતે ‘સ્મીત જ્વેલર્સ’ નામની દુકાન ચલાવે છે. 10 નવેમ્બરના રોજ સાંજે દંપતી પોતાના મકાનને તાળું મારી વડોદરા ખાતે પુત્ર સ્મીત પાસે ગયા હતા. 12 નવેમ્બરના રોજ સવારે ઘરે પરત ફરતા, તેમણે જોયું કે મુખ્ય દરવાજાનું લોખંડનું તાળું તૂટેલી હાલતમાં નીચે પડેલું હતું અને દરવાજો અડધો ખુલ્લો હતો.
ઘરમાં પ્રવેશ કરતા, ઘરના નીચેના માળેથી લઈ ઉપરના રૂમો સુધી કબાટ અને તિજોરી ઉથલપાથલ હાલતમાં મળી આવ્યા હતા. તપાસ કરતા, ચોરો આશરે ૩૬ તોલા સોનું, ૧૦ કિલો ચાંદી અને રોકડ રૂપિયા 1.30 લાખ ઉઠાવી ગયા હોવાનું માલિકે જણાવ્યું હતું, જેની કુલ મત્તા રૂપિયા 8.70 લાખ થાય છે. ચોરાયેલી વસ્તુઓમાં સોનાની બંગડી, વીંટી, બુટ્ટી, અછોડો, ત્રણ સોનાના સેટ, તેમજ ચાંદીના વાસણો અને દાગીનાનો સમાવેશ થાય છે.
ચોકસી પરિવારે જણાવ્યું હતું કે ચોરાયેલા દાગીના લગ્નકાળના હોવાથી તેમની પાસે હાલ બિલ ઉપલબ્ધ નથી. હિતેશભાઈએ વધુમાં જણાવ્યું કે હાલમાં કોઈ વ્યક્તિ પર શંકા નથી, પરંતુ ચોરી સંગઠિત રીતે થઈ હોવાની સંભાવના છે.
જંબુસર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ ટીમ દ્વારા સ્થળ પરથી ફિંગરપ્રિન્ટ અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને કારણે જંબુસરના વેપારી વર્ગમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.




