
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
વરખડી ગામે પશુ આરોગ્ય મેળાનું સફળ આયોજન, 487 પશુઓને સારવાર અપાઈ પશુદવાખાનું નેત્રંગ જી. ભરૂચ, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભરૂચ તથા JCI ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે આજે નેત્રંગ તાલુકાના વરખડી ગામે પશુ આરોગ્ય મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પશુપાલકોને પશુ આરોગ્ય, રોગપ્રતિકારક રસીકરણ, સંતુલિત પશુ આહાર, સ્વચ્છ પશુપાલન, કૃત્રિમ ગર્ભાધાન તેમજ રાજ્ય સરકારની વિવિધ પશુપાલન યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મેળામાં પશુ દવાખાનાના પશુચિકિત્સા અધિકારીઓ ડો.મેઘરાજ ચોધરી, ડો. પ્રસન્ન વસાવા તથા સમગ્ર સ્ટાફ દ્વારા પશુઓની આરોગ્ય તપાસ, નિદાન અને જરૂરી સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે કુલ 487 પશુઓને નિઃશુલ્ક સારવાર તથા આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, તથા ૬૦૦ પશુઓને FMD રસીકરણ કરવામાં આવ્યું જેનો વિસ્તારના પશુપાલકોએ લાભ લીધો હતો.
તાલુકા પંચાયત પ્રમુખે પશુપાલન વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી અને પશુપાલકોને આવા આરોગ્ય મેળાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત પશુપાલકોએ પણ વિભાગ દ્વારા ગામડાના સ્તરે ઉપલબ્ધ કરાવવામાં આવતી આરોગ્ય સેવાઓ બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
પશુપાલન વિભાગ ગાંધીનગર દ્વારા ભવિષ્યમાં પણ પશુપાલકોના હિતમાં આવા પશુ આરોગ્ય મેળા, રોગ નિયંત્રણ અભિયાન અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવશે, જેથી પશુ આરોગ્યમાં સુધારો થાય અને પશુપાલકોની આવકમાં વધારો થાય.



