
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકાના ચીકલોટા ગામ સ્થિત સનાતન ધર્મ ચીકલોટા તપોભૂમિમાં સ્વર્ગસ્થ દલુ માતાજીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભજન–સત્સંગનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંતો, મહંતો અને ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય સતગુરુ અવિચલ દાસબાપુએ જીવતી સમાધિ લીધા બાદ પણ ૧૯ વર્ષ સુધી ગુરુ પરંપરાના માર્ગદર્શન હેઠળ પંથને અવિરત રીતે આગળ ધપાવ્યો હતો. ચાદરધારી ગુરુઓની પરંપરા જાળવી રાખી ભક્તોને સત્ય અને ભક્તિના માર્ગે જીવતા રાખ્યા છે. આજે પણ તેમના અનુયાયી ભક્તિભાવથી જીવન વ્યતીત કરી રહ્યા છે.
ચીકલોટા તપોભૂમિ દ્વારા આદિવાસી સમાજને ખોટી દિશા અને વ્યસનમાંથી દૂર કરી સનમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડેડીયાપાડા, સાગબારા, નેત્રંગ, સુરત તથા રાજપીપલાના અનેક ગામોમાં સામાજિક સુધારાના પ્રયાસો કરવામાં આવ્યા, જેના સકારાત્મક પરિણામો આજે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
આ પ્રસંગે સુપુત્ર અર્જુન મહારાજે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “માતા–પિતા જ સાચી કેળવણી આપી શકે છે, આ કાર્ય જેટલું વિચારીએ તેટલું સહેલું નથી,” એમ કહી સમાજમાં સંસ્કાર અને મૂલ્યોની મહત્તા પર ભાર મૂક્યો હતો.
આ પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે નાનાસુકાઆંબા મહારાજ ગંભીરભાઈ, પ્રભુદાસ મહારાજ (મોરિયાણા), શંકરગીરી મહારાજ (બોરીદ્રા), ચુનીલાલ મહારાજ, રાયસીંગ મહારાજ (સિંગલવાણ), ભાણા મહારાજ (નેત્રંગ), વિઠ્ઠલ સાહેબ (ડેડીયાપાડા), અમીર મહારાજ (ફૂલસર), ચતુર મહારાજ (ગાલીબા), ગંભીર મહારાજ (કોયલા–માંડવી), ચેતન મહારાજ (ચીકલી–બોરીદ્રા), રામદાસ મહારાજ (ચીકલી), વિઠ્ઠલ મહારાજ (નાના લીમટવાડા), ચૈતર વસાવા (ટીમ્બા), રવિરામ મહારાજ (માંડવી), સતિષ મહારાજ (ચીકલોટા), ઉકડ મહારાજ, મનસુખ મહારાજ, ગોરધન મહારાજ, ઈશ્વર મહારાજ (રાજપીપલા) સહિત અનેક સંતો, મહંતો અને ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી સ્વ. દલુ માતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.



