ભરૂચ: પાલેજ માર્ગ પર ભૂખી ખાડીમાંથી અજગરનું રેસ્ક્યુ,વિભાગે માછલી પકડવાની જાળમાંથી અજગરને બચાવ્યો.
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના પાલેજ માર્ગ પર આવેલા પરીએજ ગામની સીમમાં એક અજગરને માછલી પકડવાની જાળમાંથી બચાવી લેવામાં આવ્યો છે. ભરૂચ વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. પરીએજ ગામ નજીક આવેલી ભૂખી ખાડીમાં માછીમારો દ્વારા નાખવામાં આવેલી જાળમાં અંદાજે દસ ફૂટ લાંબો અજગર ફસાઈ ગયો હતો. અજગર ફસાયાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક ભરૂચ વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન કર્મીઓએ અજગરને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. અજગર જાળમાં ગુંચવાઈ ગયો હોવાથી તેને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. પરંતુ વન વિભાગની ટીમે ધીરજ અને કુશળતાપૂર્વક કામગીરી કરીને અજગરને જાળમાંથી મુક્ત કરાવ્યો હતો. રેસ્ક્યુ બાદ અજગરની તબીબી તપાસ કરવામાં આવી હતી. અને તેને સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં કુતુહલ સાથે રાહતની લાગણી જોવા મળી હતી, કેમ કે અજગરની હાજરીથી થોડી દહેશત ફેલાઈ હતી. વન વિભાગની સરાહનીય કામગીરીને કારણે વન્યજીવનો જીવ બચી ગયો હતો.