
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.
‘હર ઘર તિરંગા અભિયાન: ઘરો, દુકાનો અને જાહેર સ્થળો પર તિરંગો લહેરાવીને દેશ પ્રત્યે પ્રેમભાવ અને સમર્પણભાવના વ્યક્ત કરતાં નાગરિકો.
સરકારી વિભાગો, સેનાની વિવિધ પાંખ, શાળા- કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો તિરંગા યાત્રામાં સહભાગી બન્યા.
ભુજ,તા-૧૪ ઓગસ્ટ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભાવનાની જ્યોત ઘર ઘરમાં પ્રજ્વલિત કરવા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશવાસીઓને જોડાવા આહ્વાન કર્યું છે. જેને અનુસરીને સમગ્ર દેશ તિરંગાના રંગમાં રંગાઈને તિરંગા યાત્રામાં સહભાગી બનતાં રાષ્ટ્રીય એકતાની ભાવનાના દર્શન થયા હતાં.આ તિરંગા યાત્રામાં સાંસદ સભ્યશ્રી વિનોદ ચાવડાએ યાત્રાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત દેશના ખૂણે ખૂણે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આજે માત્ર કચ્છ જ નહીં પણ સમગ્ર દેશમાં દેશભક્તિના દર્શન થઈ રહ્યા છે. આપણી આઝાદી માટે સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણ ન્યોછાવર કરનાર શહીદો અને ક્રાંતિવીરોને સાંસદશ્રીએ યાદ કરીને જણાવ્યું હતું કે, દેશને મળેલી આઝાદીએ ખૂબ અમૂલ્ય છે. ક્રાંતિવીરોના બલિદાન અને સમર્પણને ભૂલવા જોઈએ નહીં. આજના દિવસને દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરતો ઉત્સવ સાંસદશ્રીએ ગણાવ્યો હતો. આ ઉપરાંત સાંસદશ્રીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને જવાનોને અભિનંદન પાઠવ્યા હતાં.આ પ્રસંગે ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીનું પર્વએ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકતાનું પર્વ છે. દેશ પ્રત્યે આદર્શ ભાવ રાખીને કોઈપણ અહિત ન કરવાની ભાવના રાખવા ધારાસભ્યશ્રીએ ઉમેર્યુ હતું.૭૯માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના એક દિવસ પૂર્વે આજરોજ ભુજમાં જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ”ની થીમ પર ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રા સવારે ૦૯.૦૦ કલાકથી જ્યુબિલી ગ્રાઉન્ડથી કચ્છમિત્ર સર્કલ, બસ સ્ટેન્ડ, ઑલ્ફ્રેડ હાઈસ્કૂલ થઈને હમીરસર તળાવ સુધી રાષ્ટ્રભક્તિના નાદ સાથે રીતે સમપન્ન થઈ હતી.શહેરમાં નીકળેલી તિરંગા યાત્રાથી શહેરની ગલીઓ દેશભક્તિના નારાઓ અને ગીતોથી ગુંજી ઉઠી હતી. આ યાત્રામાં ભાતિગળ સંસ્કૃતિ સાથેનો પહેરવેશ સાથે દર્શન થયા હતાં. નાના ભુલકાઓએ ક્રાંતિવીરોના વાઘા ધારણ કરીને નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. બાળકોએ કાલીઘેલી ભાષામાં દેશ પ્રત્યેની લાગણી અને સમર્પણના નારાઓ લગાવીને વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બનાવી દીધુ હતું. શહેરમાં ઘરો, વ્યવસાય સ્થાનો, જાહેર સ્થળોએ તિરંગો લહેરાવીને દેશ પ્રત્યે પ્રેમભાવ અને સમર્પણભાવની લાગણી નાગરિકો વ્યકત કરી હતી.આ તિરંગા યાત્રાના કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથેની ડોર ટુ ડોર સફાઈની ૨૬ ઇ-રીક્ષાનું વિતરણ ઉપસ્થિત સરપંચશ્રીઓને સાંસદશ્રી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ૩૦૦ મીટર લંબાઈનો તિરંગો યાત્રા દરમિયાન આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો. તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહિલાઓ, ગ્રામજનો, સામાજિક સંસ્થાઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, બીએસએફના જવાનો, આંગણવાડી કાર્યકરો, આરોગ્યકર્મીઓ તથા મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ જોડાઇને ભારતદેશની એકતાનો પરિચય આપ્યો હતો. આ સાથે બી.એ.પી.એસ, ઈન્ડિયન રેડક્રોસ, આર.એસ.એસ, શહેરના વેપારી મંડળો, ચેમ્બર્સ ઓફ કોમર્સ, શિક્ષણ સંઘ સહિત કચ્છ યુનિવર્સિટી, ભુજ નગરપાલિકા સહિતની સંસ્થાઓ વિશેષ સહભાગી બની હતી.ભુજ ખાતેની તિરંગા યાત્રામાં મુન્દ્રા માંડવી ધારાસભ્ય શ્રી અનિરુધ્ધ દવે, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, તાલીમી સનદી અધિકારી સુશ્રી એમ.ધરિણી, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.આર. પ્રજાપતિ, ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્ર વાધેલા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દેવાંશી ગઢવી સહિતના પદાધીકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

















