આમોદ-દહેજ હાઈવે પર ખાડાઓને કારણે ભયંકર અકસ્માત, રિક્ષાને બચાવવા જતા ટ્રક બ્રિજની દીવાલ સાથે અથડાયો..
સમીર પટેલ, ભરૂચ
આમોદ-દહેજ હાઈવે પર આજે આછોદ બ્રિજ નજીક રસ્તા પરના ખાડાઓને કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રિક્ષા ચાલકે રસ્તા પરના એક મોટા ખાડાને કારણે અચાનક બ્રેક મારી હતી. તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે સમયસર રિક્ષાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે સફળ થઈ શક્યો નહીં અને ટ્રક બ્રિજની દીવાલ સાથે અથડાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, આછોદ રોડ પર લાંબા સમયથી અતિશય ખાડાઓને કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખાડાઓને કારણે વાહનચાલકોને અચાનક બ્રેક મારવી પડે છે. જેના કારણે પાછળ આવતા વાહનોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સીધો સવાલ કરી રહ્યા છે કે, ક્યાર સુધી જનતા ખાડાઓના ભોગ બનતી રહેશે? રસ્તા સુધારવા માટે સરકાર ક્યારે જાગશે? આ ઘટનાએ ફરી એકવાર રસ્તાઓની બિસ્માર હાલત અને તેના કારણે ઉદ્ભવતા જોખમોને ઉજાગર કર્યા છે. સ્થાનિકોએ વહીવટી તંત્રને તાત્કાલિક આ રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી છે. જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય.