અંકલેશ્વરમાં બંધ કરેલ 12 હાટ બજારફરી શરૂ કરાવવા વેપારીઓનો મોરચો
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર શહેરના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મામલતદારે બંધ કરાવેલાં હાટ બજાર ફરીથી શરૂ કરાવવામાં આવે તેવી માગ સાથે વેપારીઓએ મોરચો માંડયો છે. વિવિધ ગામડાઓમાં ભરાતાં હાટબજારમાં શાકભાજી સહિતની ચીજવસ્તુઓ સસ્તા ભાવે મળતી હોવાથી લોકો ખરીદી માટે આવતાં હોય છે પરંતુ ગંદકી, ચોરી અને ટ્રાફિકજામના કારણોસર મામલતદારે સંલગ્ન ગામોના તલાટીઓ અને સરપંચોને હાટ બજાર બંધ કરાવી દેવા આદેશ કર્યો હતો. મામલતદારના આદેશ બાદ હાટ બજાર બંધ થઇ જતાં અનેક નાના વેપારીઓ બેકાર બની ગયાં છે.
બેકાર બનેલાં વેપારીઓએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વેપારીઓએ હાટ બજાર ફરી શરૂ કરવાની માગણી કરી છે. આ હાટ બજારો અઠવાડિયાના જુદા જુદા દિવસોએ શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવારે ભરાતા હતાં. નાના છૂટક વેપારીઓ અને શનિવારી બજારના આયોજકોએ નાયબ મામલતદાર ભરત પટેલને આવેદનપત્ર આપ્યું છે. વેપારીઓએ રજૂઆત કરી છે કે હાટ બજાર બંધ થવાથી તેમની રોજી-રોટી છીનવાઈ જશે અને તેમના પરિવારો સમક્ષ આજીવિકાનો ગંભીર પ્રશ્ન ઉભો થશે. વેપારીઓએ પોતાના પરિવારના ભરણપોષણની ચિંતા વ્યક્ત કરી છે અને હાટ બજાર ફરી શરૂ કરવાની માગણી કરી હતી.
અંકલેશ્વર, નેત્રંગ અને વાલિયામાં ભરાતા હાટબજાર લોકો માટે ઘણા ઉપયોગી છે પણ વેપારીઓ સ્વચ્છતા જાળવતા નહિ હોવાથી ગંદકી ફેલાઇ રહી છે. બજારમાં ખરીદી કરવા માટે આવતાં લોકો તેમના વાહનો આડેધડ રીતે પાર્ક કરી દેતા હોવાથી ટ્રાફિકજામ થાય છે. બજારમાં ભીડ ઉમટતી હોવાથી ખિસ્સાકાતરૂઓનો પણ ઉપદ્રવ વધ્યો હતો. અસંખ્ય ફરિયાદો બાદ તંત્રએ આખરે તમામ હાટ બજાર બંધ કરાવી દેવા આદેશ કર્યો છે જેની સામે બેરોજગાર બનેલાં વેપારીઓએ વિરોધ શરૂ કરી દીધો છે.