
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા૧૮ માર્ચ : ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૦૭ થી ૧૧ ના વિસ્તારમાં રહેતા નાગરિકોના પ્રશ્નો અને સરકારી સેવાઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ લાવવાના ઉમદા આશય સાથે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તારીખ ૨૦/૦૩/૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ થી ૨:૦૦ કલાક સુધી ટાઉનહોલ, જ્યુબિલી સર્કલ પાસે, ભુજ ખાતે યોજાશે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી દ્વારા શહેરના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના જરૂરી આધાર-પુરાવા અને દસ્તાવેજો સાથે રાખી આ તકનો મહત્તમ લાભ લે. આ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા કુલ ૫૫ જેટલી યોજનાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં મુખ્યત્વે આધાર કાર્ડ નોંધણી અને સુધારા, રેશનકાર્ડને લગતી કામગીરી (નામ દાખલ કરવું/કમી કરવું), જાતિ અને આવકના પ્રમાણપત્રો, આયુષ્માન ભારત (PMJAY) કાર્ડ, નવા વીજ જોડાણ, અને જન ધન યોજના જેવી પાયાની સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના, સાત-બાર/આઠ-અ ના ઉતારા, વિધવા સહાય, દિવ્યાંગ આર્થિક સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓના ફોર્મ તથા રજિસ્ટ્રેશન માટેની કામગીરી પણ સ્થળ પર જ કરવામાં આવશે તેમ ચીફ ઓફિસર ભુજ નગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયું છે.



