
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા.૭ માર્ચ : ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે હિલ ગાર્ડન ખાતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, જિલ્લા સંઘના કોષાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ જાડેજા, બી.આર.સી. કો. ઓ. ભરત પટોડિયાએ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હસુમતીબેન પરમારે ટોસ ઉછાળીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. ઉદઘાટન કાર્યક્રમમાં તાલુકા પ્રા.શિક્ષક સમાજ ના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજાએ સૌને આવકાર્યા હતા. શિક્ષકોમાં ખેલદિલી અને સંઘ ભાવના મજબૂત બને એ હેતુ થી રમાયેલ આ ટુર્નામેન્ટમાં તાલુકાની કુલ ૧૩ ટીમો એ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચ કોડકી અને કોટડા સુપર સિક્સ વચ્ચે રમાઈ હતી જેમાં કોડકી ટીમ ટુર્નામેન્ટની ચેમ્પિયન બની હતી જ્યારે કોટડા ટીમ રનર્સ અપ રહી હતી. ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કોટડાના રાજેશ ટંડેલ ને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. આયોજનને સફળ બનાવવા મહામંત્રી મેહુલ જોષી, કોષાધ્યક્ષ કાંતિભાઈ સુથાર, વિરલસિંહ જાડેજા, જયેન્દ્ર સિંહ ઝાલા, હાર્દિક ત્રિપાઠી, ધવલ ત્રિવેદી, ઉતમ મોતા, નિલેશ અજાણી, ઇન્દ્રજીતસિંહ જાડેજા, અનિલ રૂપારેલ, જય ચનિયારા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અનિરુદ્ધસિંહ જાડેજા, શાંતિલાલ મોતા ,દિનેશ દરજી વ્યવસ્થામાં સહયોગી રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ મહામંત્રી મેહુલ જોષીએ કરી હતી.



