BHUJGUJARATKUTCH

ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન તથા સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે ઉજવાયો.

સમારોહમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની પ્રેરક ઉપસ્થિતિ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ: તા. ૮ નવેમ્બર, ૨૦૨૫: ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી સન્માન તથા સ્નેહમિલન સમારોહનો ભવ્ય કાર્યક્રમ ટાઉન હોલ, ભુજ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ભુજ તાલુકા તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સમાજના સભ્યો, શિક્ષણપ્રેમીઓ, દાતાશ્રીઓ તથા પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રજ્વલન વિધિ દ્વારા કરવામાં આવેલ હતી. ત્યારબાદ શ્રી ગણેશ તેમજ સરસ્વતી વંદના સમાજની દિકરી દ્વારા કરવામાં આવી હતી, ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ શ્રી રવિભાઈ ત્રવાડીએ ઉપસ્થિત મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત અને આવકાર આપતાં જણાવ્યું હતુ કે, “બ્રહ્મ સમાજ હંમેશાં શિક્ષણ, સંસ્કાર, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે પ્રતિબદ્ધ રહ્યો છે અને રહેશે. તેજસ્વી તારલાઓના આ સન્માનનો હેતુ સમાજની યુવા પેઢીને વધુ પ્રેરિત કરવાનો છે.”આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ વિધાનસભા ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, નવિનભાઈ વ્યાસ,  દિલીપ દાદા, એચ.એલ.અજાણી સાહેબ, પશ્ચિમ કચ્છ બ્રહ્મસમાજ પ્રમુખ શાસ્ત્રી દિપેશભાઇ, કિરીટભાઈ સોમપુરા,રાજેશભાઈ ગોર સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો અને સમસ્ત બ્રહ્મસમાજના દરેક સમવાયના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભુજ નગર કાર્યવાહ હેતભાઇ જોષીએ સંઘ શતાબ્દી વર્ષ નિમિતે પંચ પરિવર્તન બિંદુઓમાંના એક બિંદુ “કુટુંબ પ્રબોધન” વિશે વિસ્તૃત વાત કરેલ હતી. વક્તાઓએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને લક્ષ્યનિષ્ઠ રહેવા, મહેનત અને સંયમ સાથે જીવનમાં આગળ વધવા તથા સમાજ અને રાષ્ટ્રના ગૌરવમાં વધારો કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે શિક્ષણને જીવનના મૂલ્યવાન ધ્યેય તરીકે સ્વીકારવાની અને સામાજિક એકતાને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.કાર્યક્રમ દરમ્યાન કે.જી. થી લઈને પી.જી. સુધીના કુલ ૫૪૦ જેટલા તેજસ્વી તારલાઓને મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.દાતા ઓનું પણ સાલ અને સ્મૃતિચિહ્ન વડે સન્માન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત બ્રહ્મ સમિતિ દ્વારા ઉષ્માભર્યા સ્વરમાં કરવામાં આવેલ હતુ. શિક્ષણ કન્વીનર તરીકે ડૉ તેજશભાઇ પાઠકે સેવાઓ આપેલ હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મ રીટાબેન ભટ્ટે પોતાના સુંદર શબ્દોમાં કરી સમગ્ર માહોલને જીવંત બનાવેલ હતુ. આભાર વિધી મહામંત્રી પ્રકાશભાઈ ઉગાણીએ કરી ઉપસ્થિત તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ સમાજની એકતા, શિક્ષણપ્રેમ અને યુવાનોને પ્રેરણા આપતો એક ઉત્તમ ઉદાહરણરૂપ યાદગાર સમારોહ બની રહ્યો, એવુ અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવાયેલ હતુ.

Back to top button
error: Content is protected !!