BHUJGUJARATKUTCH

ભુજનું રામ દરબાર છાશ કેન્દ્ર: ખારા રણમાં મીઠી વીરડી સમાન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ, તા.27 એપ્રિલ  : ભુજના ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે આવેલ અખંડ રામધૂન સંકિર્તન મંડળ (રામ દરબાર) દ્વારા સંચાલિત છાશ કેન્દ્ર ઉનાળાના ધોમધખતા તાપમાં રાહદારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. નિઃસ્વાર્થ ભાવે પ્રેમથી અમૃત સમાન ઠંડી છાશ પીવડાવવાની આ પહેલ ખરેખર ખારા રણમાં મીઠી વીરડી સમાન છે.

તરસ અને ગરમીથી વ્યાકુળ રાહદારીઓ માટે આ ઠંડી છાશ માત્ર કલેજાને ટાઢક જ નથી પહોંચાડતી, પરંતુ તેમનામાં નવી ઉર્જાનો સંચાર પણ કરે છે. આવી નિઃસ્વાર્થ સેવા કરતી સંસ્થાઓ અને તેમના સ્વયંસેવકો ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ છે. જ્યારે કેટલાક શહેરોમાં તો માત્ર પ્રસિદ્ધિ માટે પાણીના પરબ શરૂ કરવામાં આવે છે અને ચાલીસ લોકોના નામ પ્રસિધ્ધ કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે રામ દરબાર કોઈપણ પ્રકારના દેખાડા વિના વર્ષોથી નિરંતર સેવા કરી રહ્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે.

આ ઉપરાંત, રામ દરબાર દ્વારા સંચાલિત રામરોટી કેન્દ્ર જરૂરિયાતમંદ લોકોને માત્ર 20 રૂપિયાના ટોકન દરે પોષણયુક્ત ભોજન પણ પૂરું પાડે છે. આ સેવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અત્યંત ઉપયોગી છે.

આશા છે કે વધુમાં વધુ લોકો આ સેવાઓનો લાભ લે અને રામ દરબાર જેવી નિઃસ્વાર્થ સંસ્થાઓ વર્ષો સુધી આ રીતે સમાજની સેવા કરતી રહે એવી શુભેચ્છાઓ.

Back to top button
error: Content is protected !!