
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૩૦ ઓગસ્ટ : વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉ દ્વારા SSNNL યોજના અંતર્ગત ભચાઉ તાલુકાના કબરાઉ ગામમાં “વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી” વિષય ઉપર ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ૯૨ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. આર. એમ. જાડેજા દ્વારા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ચાલી રહેલા શિક્ષણ, વિસ્તરણ તથા સંશોધનની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા છેલ્લા ૫ વર્ષથી વિવિધ પાકોમાં પ્રાકૃતિક ખેતીના સંશોધન અખતરાના પરિણામોની વિસ્તૃત જાણકારી, હળદર, કઠોળ, ઘઉં, રાયડા, શક્કરટેટી, પપૈયા તેમજ રાજગરામાં પ્રાકૃતિક ખેતી દ્વારા મળેલા ઉત્કૃષ્ટ પરિણામો તથા દેશી ગાયમાંથી બનેલા જીવામૃતમાં સૌથી વધુ સુક્ષ્મજીવોની સંખ્યા હોવા અંગે થયેલા સશોધન અંગે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. વધુમાં, હાલમાં ખરીફ પાકોમાં રોગ જીવાતને પ્રાકૃતિક ખેતી દ્વારા નિયંત્રણની પદ્ધતિઓની તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ ગુણવત્તાવાળું બીજ ઉત્પાદન તથા પાકને મળતા પોષક તત્વો અને ખાતર આપવાની પદ્ધતિઓ વિષે વિસ્તૃત માહિતી સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. જે. કે. પટેલ દ્વારા આપવામાં આવી હતી. ખેતી અધિકારીશ્રી ડી. પી. નકુમે સરકારશ્રીની પ્રાકૃતિક ખેતીની યોજના વિષે વિસ્તૃત માહિતી તથા ક્ષારીય જમીનનું યોગ્ય વ્યવસ્થાપન વિષે માર્ગદર્શન આપ્યું હતું. દાડમ, મગફળી અને એરંડામાં જોવા મળતી જીવાતો અંગે ખેડૂતો દ્વારા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા, જેના નિરાકરણ અંગે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જવાબ આપવામા આવ્યા હતા. તાલીમના અંતે ખેડૂતોને સ્ટીકી ટ્રેપ, બ્રુવેરિયા બસિયાના, મેટેરિયમ એનીસોપલી અને એન.પી.કે. બેક્ટેરિયા ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેતી મદદનીશ શ્રી નિકુંજ બોરખતરીયા દ્વારા સર્વે ઉપસ્થિત અધિકારીશ્રીઓ, મુખ્ય મહેમાનો અને ખેડૂતમિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




