
લુણાવાડા પાલિકામાં મોટો ધડાકો: ભાજપના ૧૧ સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી.
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકામાં દિવાળી અગાઉ એલઈડી અને ટાઈમર સ્વીચ કૌભાંડનો મામલો ઉગ્ર બન્યા બાદ હવે એક મોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ કિર્તી પટેલ વિરુદ્ધ ભાજપના જ અગિયાર સભ્યોએ ગંભીર આક્ષેપો સાથે ચીફ ઓફિસરને પુરાવા સાથે લેખિત રજૂઆત કરી છે, જેમાં સ્પોટર્સ કોમ્પલેક્ષના સ્વિમિંગ પુલમાં બારોબાર ₹૪૦.૬૯ લાખના ચુકવણાની તપાસ કરી ફરિયાદ દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે.
પાલિકાના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને કરાયેલી લેખિત રજૂઆતમાં પ્રમુખ કિર્તી પટેલ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. લુણાવાડા આઝાદ મેદાનમાં અંદાજે ₹૧.૫૦ કરોડના ખર્ચે અગાઉ તૈયાર થયેલા, પરંતુ જર્જરિત અને “મોતના કૂવા” સમાન સ્વીમીંગ પુલના કોન્ટ્રાક્ટરને પૈસા ચુકવાઈ ગયા હતા. હવે આ સ્વીમીંગ પુલ ચાલુ કરવાના નામે માત્ર પાઇપો અને નાની મોટરો નાખવાના બહાને શ્રીજી કન્સ્ટ્રક્શનના નામે ₹૪૦,૬૯,૦૫૭/- જેટલી રકમ નગરપાલિકાના પ્રમુખ દ્વારા બારોબાર ઉપાડી લેવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, જ્યારે પ્રમુખ કિર્તી પટેલ અગાઉ કોંગ્રેસમાં હતા, ત્યારે પણ તેમણે તત્કાલીન પ્રમુખ સાથે મેળાપીપણું કરીને ટાઉન હોલ બનાવવાના નામે ખાડો ખોદીને ₹૪૬ લાખ જેટલી રકમ બારોબાર ઉપાડી લીધી હતી. આ કૌભાંડના પગલે તત્કાલીન પ્રમુખ વિરુદ્ધ કેસ ચાલતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ₹૪૬ લાખની રિકવરીના આદેશ કરાયા હતા.સભ્યોએ આક્ષેપ કર્યો છે કે સ્વિમિંગ પુલના ₹૪૦ લાખ ઉપરાંત એલ.ઈ.ડી.માં ₹૧૫ લાખ, ટાઈમર સ્વીચમાં ₹૩૨ લાખ અને અન્ય અનેક કામોમાં પણ આજ પ્રકારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. લેખિત રજૂઆત કરનારા ભાજપના સભ્યોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ પ્રમુખના આ ભ્રષ્ટાચારમાં સામેલ નથી.તેઓ આ તમામ ગેરકાયદેસર ચુકવણાઓથી બિલકુલ અજાણ છે. ભવિષ્યમાં તેમના પર રિકવરી આવે તેવા ડરથી તેમણે આ રજૂઆત કરી છે.ભાજપના અગિયાર સભ્યોએ ચીફ ઓફિસરને વિનંતી કરી છે કે આ બારોબાર થયેલા ₹૪૦ લાખના ચુકવણાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે.આ મામલાએ ભાજપ શાસિત પાલિકામાં જ મોટો આંતરિક ખળભળાટ મચાવ્યો છે અને સમગ્ર પ્રકરણમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરવામાં આવી રહી છે.





