વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
કચ્છ,તા.2 ઓગસ્ટ : જન્મ-મરણ અને લગ્ન નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવવાના સરકારી દાવાઓ વચ્ચે વાસ્તવિકતા સાવ અલગ જ જોવા મળે છે. સામાન્ય નાગરિકો માટે આ પ્રક્રિયા આસાન બનવાને બદલે સરકારી કચેરીઓનો ત્રાસ અને બિનજરૂરી ખર્ચનો એક નવો બોજ બની ગઈ છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં નગરપાલિકાના અધિકારીઓ દ્વારા નામ સુધારણા અને નાની ભૂલોને સુધારવા માટે જે જટિલ નિયમો અને એફિડેવિટનો આગ્રહ રખાય છે, તે લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે.
ગ્રામીણ વિસ્તારોમાં તલાટી મંત્રીઓ સરપંચ કે વૉર્ડના સભ્યોની ખરાઈ અને બે સાક્ષીઓની સહીથી સરળતાથી સુધારો કરી આપે છે. જ્યારે શહેરોમાં નગરપાલિકાના રજિસ્ટ્રાર નામની પાછળ ‘ભાઈ’ કે ‘બેન’ ઉમેરવા જેવા સામાન્ય સુધારા માટે પણ નોટરી કરાવેલું એફિડેવિટ ફરજિયાત માંગે છે. આ પ્રક્રિયામાં 500 થી 700 રૂપિયાનો ખર્ચ અને એક દિવસની મજૂરી તૂટે છે, તે ઉપરાંત વારંવાર ધક્કા પણ ખાવા પડે છે. સવાલ એ છે કે શું ગુજરાતના ગ્રામીણ અને શહેરી નાગરિકો માટે અલગ કાયદાઓ છે?
ઘણીવાર હોસ્પિટલના અપ્રશિક્ષિત સ્ટાફ દ્વારા જન્મની વિગતો નગરપાલિકામાં મોકલવામાં આવે છે, જેમાં ભૂલો રહી જાય છે. આ ભૂલો સુધારવાની જવાબદારી નાગરિકો પર નાખી દેવામાં આવે છે, જ્યારે નોંધણી વખતે પુરાવા ચકાસવામાં આવે તો આ ભૂલોને પહેલેથી જ અટકાવી શકાય. આ બેદરકારી માટે કોઈ અધિકારીને જવાબદાર ગણવામાં આવતા નથી, પરંતુ નાગરિકોને તેના માટે ખર્ચ અને પરેશાની ભોગવવી પડે છે. શું આવી બેદરકારી બદલ નોંધણી અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાશે?
જ્યારે ચૂંટણી જેવી મહત્વની કામગીરીમાં સ્વ-ઘોષણાપત્ર માન્ય રાખવામાં આવે છે, ત્યારે સામાન્ય નાગરિકના જન્મ દાખલામાં સામાન્ય સુધારા માટે કડક નિયમો શા માટે? સ્થાનિક નગરસેવકો, પ્રમુખ કે ધારાસભ્યની ભલામણ પણ આવા સુધારા માટે માન્ય રાખવામાં આવતી નથી. આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ સરકારી બાબુઓ દ્વારા લોકોને હેરાન-પરેશાન કરવાની એક નવી ચાલ છે.
લોકોની માંગણી : જન્મ, મરણ અને લગ્ન નોંધણીની પ્રક્રિયાને સરળ અને સુસંગત બનાવવામાં આવે.
ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે સમાન નિયમો લાગુ કરવામાં આવે.
નાની ભૂલો અને સુધારાઓ માટે એફિડેવિટને બદલે સ્વ-ઘોષણાપત્રને માન્યતા આપવામાં આવે.
નોંધણી અધિકારીઓની બેદરકારી માટે જવાબદારી નક્કી કરી પગલાં લેવામાં આવે.
સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય સ્પષ્ટતા કરે અને લોકોને પડતી મુશ્કેલીઓનો અંત લાવે એ સમયની માંગ છે.