ભાજપ યુવા મોરચા પ્રમુખ ચાલુ વાહનમાં જુગાર રમતા ઝડપાયા
આણંદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં ચાલુ વાહનમાં ચાલતું જુગારધામ ઝડપાયું છે. આણંદની ઉમરેઠ પોલીસે લાલપુરા ચેક પોસ્ટ પાસેથી ચાલુ આઇસરમાંથી જુગારધામ ઝડપાયું છે. પોલીસને જોતા જુગારીઓના મોતિયા મરી ગયા હતા. ચાલુ આઇસરમાં જુગાર રમતા 16 જુગારીઓ પોલીસે ઝડપી પાડ્યા છે.
જુગારીઓમાં ઉમરેઠ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિક પટેલનું નામ પણ બહાર આવતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોઈ જાણભેદુએ ભાજપા યુવા મોરચા પ્રમુખની રાજકીય ગેમ કરી નાખી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જુગારીયાઓ જુગાર રમવાની અવનવી ટેકનીક અપનાવતા હોય છે. એવામાં પોલીસે ત્રણ લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે 16ને પકડ્યા છે.
સાવલીથી ઉમરેઠ તરફ આઇસર ગાડીમાં જુગાર રમતા હતા. ઉમરેઠ પોલીસે લાલપુરા ચેક પોસ્ટ પાસે ગાડી ઉભી રાખતા અંદર બેઠેલા લોકો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. ઉમરેઠ પોલીસ દ્વારા જુગાર ધારાની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.