GUJARATKUTCHMUNDRA

શારીરિક બીમારીઓનું મૂળ નબળું મન : રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલાદીદીએ મુન્દ્રાની 560 વિદ્યાર્થિનીઓને આપ્યું માનસિક સ્વાસ્થ્યનું માર્ગદર્શન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા. 19 જુલાઈ : આધુનિક યુગમાં વધતી જતી માનસિક સમસ્યાઓ અને શારીરિક બીમારીઓ વચ્ચે એક અનોખો સંદેશ લઈને મુન્દ્રાની શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સી. કે. એમ. કન્યા વિદ્યાલયમાં બ્રહ્માકુમારી વિદ્યાલય, બારોઇ દ્વારા એક પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ધોરણની અંદાજે 560 જેટલી વિદ્યાર્થિનીઓને માનસિક સ્વાસ્થ્ય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલાદીદી રહ્યા હતા, જેમણે અત્યંત સરળ ભાષામાં વિદ્યાર્થિનીઓને સમજાવ્યું કે, “શારીરિક બીમારીઓનું મૂળ કારણ મનુષ્યનું કમજોર મન છે.” તેમણે મનની દ્વિતીય ભૂમિકા સમજાવતા જણાવ્યું કે, મન એ મનુષ્યનું શ્રેષ્ઠ મિત્ર બની શકે છે અને એ જ મન તેનું સૌથી મોટું શત્રુ પણ બની શકે છે. નકારાત્મક વિચારો કેવી રીતે આપણા મનને નિર્બળ બનાવે છે, તે સમજાવીને તેમણે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે દરેક પરિસ્થિતિમાં સકારાત્મક ચિંતનનું મહત્ત્વ સમજાવ્યું હતું. સુશીલાદીદીએ વિદ્યાર્થીઓમાં જોવા મળતી હતાશા, નિરાશા, ભય, ચિંતા અને તનાવ જેવી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને આ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે રાજયોગ મેડિટેશનને એક ઉત્તમ ઉપચાર ગણાવ્યો હતો. તેમના મતે, રાજયોગ મેડિટેશન આપણા મનને મજબૂત અને સકારાત્મક બનાવવામાં અદ્ભુત રીતે મદદરૂપ થાય છે. આ સાથે જ, તેમણે માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવાની શીખ પણ આપી હતી, જે જીવનમાં સફળતા માટે અનિવાર્ય છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત બ્રહ્માકુમાર વિનોદભાઈએ પોતાના ઉદ્‌બોધનમાં ઉમેર્યું કે, “જો સ્વસ્થ તનમાં સ્વસ્થ મન હોય, તો જ જીવનમાં સાચી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.” તેમણે તન અને મનના ઉત્તમ સ્વાસ્થ્ય માટે સૌને બ્રહ્માકુમારી કેન્દ્ર પર પધારવાનું ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના આચાર્ય દમયંતીબેન પરમાર અને શાળા સ્ટાફનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રેરણાદાયક સત્રથી વિદ્યાર્થિનીઓમાં માનસિક સ્વસ્થતા અને સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવા માટે એક નવી ચેતના જાગૃત થઈ હતી, જે તેમના ભવિષ્ય માટે અત્યંત લાભદાયી નીવડશે.

Back to top button
error: Content is protected !!