ભાટવરવાસ ગામમાં ભાઈએ ભાઈની કરી હત્યા: દિવાળી વેકેશનમાં બોલાચાલીએ લીધો જીવ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ તાલુકાના ભાટવરવાસ ગામમાં દિવાળી વેકેશન દરમિયાન બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી છે. એક ભાઈ સુરતથી અને બીજો મોરબીથી પોતાના ઘરે આવ્યા હતા. પાંચ દિવસ અગાઉ તેમની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેનું મનદુઃખ રાખીને આ ઘટના બની હતી.
થરાદ ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે, વાવ પોલીસ સ્ટેશનમાં ગત ૩૦ તારીખના રોજ ગુનો નોંધાયો હતો. ભાટવરવાસ ગામના વિક્રમભાઈ (મૃતક)ને તેમના સગા ભાઈએ લોખંડની એંગલ માથામાં મારીને હત્યા કરી હતી.
આ બનાવ પાછળનું કારણ એવું હતું કે, વિક્રમ વારંવાર પોતાની માતાને હેરાન કરતો હતો અને આરોપી ભાઈને પણ મારવાની ધમકી આપતો હતો. આ કારણોસર રાત્રિના સમયે બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં આરોપીએ વિક્રમના માથામાં એંગલ મારી દીધી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવ્યો હતો અને પોતાની હકીકત જણાવી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે અને આજે તેને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે, હાલની તપાસ મુજબ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી જણાઈ નથી, પરંતુ વધુ તપાસ ચાલુ છે અને જો કોઈ નવી હકીકત સામે આવશે તો તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.
 
				





