
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા.7 જાન્યુઆરી : કચ્છની કોલેજોના યુવાઓમાં શિષ્ટ વાંચન પ્રત્યે રુચિ જાગે તેમની મનોતંદુરસ્તી જળવાય અને વ્યક્તિત્વનું ઘડતર થાય તેવા ઉમદા આશય સાથે છેલ્લા ૧૪ વર્ષથી કાર્યરત ‘ભાવક મૂલ્યાંકન’ પ્રકલ્પને આ વર્ષે પણ બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ ભુજ દ્વારા સંચાલિત આ અભિયાન હેઠળ તાજેતરમાં માંડવીની શેઠ શૂરજી વલ્લભદાસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પુસ્તક સમીક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૬ જેટલા ઉત્સાહી યુવાનોએ પોતાની સાહિત્યિક સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ મહેશભાઈ બારડએ સ્વાગત પ્રવચન કરી આ પ્રકલ્પના મહત્વ વિશે પ્રકાશ પાડ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ રસનિધિભાઈ અંતાણીએ સંસ્થાનો પરિચય આપી યુવા વિકાસની પ્રવૃત્તિઓથી અવગત કર્યા હતા. મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત કચ્છના ખ્યાતનામ સર્જક અને કેળવણીકાર હરેશભાઈ ધોળકિયાએ વિદ્યાર્થીઓને ‘ભારતનું ભાવિ’ ગણાવી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે વાંચન અનિવાર્ય છે. યુવાનોએ માત્ર વાંચન જ નહીં પણ લેખન તરફ પણ ડગ માંડવા જોઈએ.આ પ્રસંગે જાહ્નવીબેન રાજગોરે કારાણીજીના કચ્છી સાહિત્ય વૈભવની વાત કરતા એક ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના ‘સ્ટેટ્સ’ અને ‘રીલ્સ’ પાછળ ઘેલા થયેલા યુવાનો જો પોતાની ભવ્ય સંસ્કૃતિ, લોકગીતો અને લોકસાહિત્ય પ્રત્યે જાગૃત નહીં થાય તો પૂર્વજોએ વારસામાં આપેલું અમૂલ્ય સાહિત્ય નામશેષ થઈ જશે. તેમણે યુવાનોને કચ્છી સંસ્કૃતિ અને સાહિત્યને જીવંત રાખવા માટે વિશેષ અપીલ કરી હતી.કાર્યક્રમમાં પૃથ્વીરાજસિંહ ચાવડા, પ્રીતિબેન ધીરાવાણી, માનસીબેન સંઘાર, દેવ સાધુ, રમીલાબેન સુંઢા, ક્રિષ્નાબેન ગઢવી, કોમલબા વાઘેલા, કાવ્યાબેન વાસાણી, મમતાબેન તડવી, હાર્દિકાબા ચાવડા, ભૂમિબેન વ્યાસ, હિરેન ઘોરિયા, કોમલબેન વિંજાળા, સ્નેહાબેન માકાણી તથા સપનાબેન વાઘેલાએ ભાવક મૂલ્યાંકનમાં ભાગ લઈ પન્નાલાલ પટેલની અમર કૃતિઓ ‘માનવીની ભવાઈ’ અને ‘મળેલા જીવ’ તેમજ હરેશ ધોળકિયાના ‘અંગદનો પગ’ જેવા પુસ્તકોનું વિવેચનાત્મક મૂલ્યાંકન રજૂ કર્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને જામનગરના પૂર્વ ગ્રંથપાલ સ્વ. પ્રદિપ છાયાની સ્મૃતિમાં જાહ્નવીબેન છાયા તરફથી રોકડ પુરસ્કાર અને પુસ્તક ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર તિતિક્ષાબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ હીનાબા જાડેજાએ કરી હતી.














