
સાગબારા તાલુકાના ટાવલ ગામે મહિલાઓ માટે કેનિંગ તાલીમ યોજાઈ,
ફળ-શાકભાજીની મૂલ્યવર્ધિત બનાવટો તૈયાર કરવાની ૨૭ બહેનોને તાલીમ અપાઈ
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
રાજપીપળા: નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રાજપીપળા દ્વારા સાગબારા તાલુકાના અંતરિયાળ ટાવલ ગામ ખાતે મહિલા કેનિંગ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ તાલીમમાં કુલ ૨૭ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન મહિલાઓને ફળો અને શાકભાજીમાંથી વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરવાની વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. જેમાં ટામેટા કેચઅપ, પપૈયાની ટૂટી-ફ્રૂટી, કોપરાના લાડુ, જાસુદનું શરબત સહિતની વિવિધ બનાવટો તૈયાર કરવાની પદ્ધતિ, પ્રક્રિયા તેમજ જરૂરી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમનો મુખ્ય હેતુ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ફળ-શાકભાજીનું મૂલ્યવર્ધન કરી મહિલાઓને ઘરઆંગણે આવકનું સાધન ઊભું કરવા તથા સ્વરોજગાર તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો છે. અંતરિયાળ વિસ્તારની મહિલાઓ માટે આવી તાલીમ આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
બે દિવસીય તાલીમ પૂર્ણ થયા બાદ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલીમમાં ભાગ લેનાર દરેક લાભાર્થી બહેનને પ્રતિ દિવસ રૂ. ૨૫૦ મુજબ બે દિવસના કુલ રૂ. ૫૦૦નું સ્ટાઈપેન્ડ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવનાર છે.
જિલ્લા બાગાયત વિભાગ દ્વારા મહિલાઓને બાગાયતી પેદાશોના મૂલ્યવર્ધન, પ્રક્રિયા અને સ્વરોજગારલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારની મહિલાઓને નવી કૌશલ્ય તાલીમ સાથે આર્થિક રીતે વધુ સશક્ત બનવાની તકો મળી રહી છે.




