
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
ઇકોસિસ્ટમના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ ચકલીના સંરક્ષણ માટે કટિબદ્ધ બનીએ.
માંડવી,તા-૧૮ માર્ચ : સમગ્ર વિશ્વમાં ચકલીની વસ્તીમાં ઘટાડો થતાં લોકજાગૃતિ માટે દર વર્ષે ૨૦ માર્ચના રોજ “વિશ્વ ચકલી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ ચકલી દિવસ ૨૦૧૦માં વિશ્વના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવ્યો હતો. ચકલી એટલે નાના બાળકોનું પ્રિય પક્ષી અને બાળપણની યાદોને તાજી કરતું પક્ષી. જો કે આજના સમયમાં એ જ ચકલી કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે. વર્ષ ૨૦૨૬ની વિશ્વ ચકલી દિવસની થીમ ” આઇ લવ સ્પેરો” છે માનવ દ્વારા નિર્મિત ઘરોની આસપાસ રહેવું ચકલીઓને ખુબ જ પ્રિય છે. ગામડાંમાં ખેતર આસપાસ વિશાળ સંખ્યામાં ચકલીઓ જોવા મળે છે. ચકલી પર લખેલી કવિશ્રી રમેશ પારેખની પંક્તિઓ પરથી ઘરના ફળિયામાં ચકલીનું બેસવું એ રજવાડું હોવાનું સૂચવે છે કે, પર્યાવરણ માટે ચકલી જેવા નાના પક્ષીનું પણ મહત્વ છે. પર્યાવરણનું બેરોમીટર એટલે “ચકલી” કે જ્યાં સૌથી સુંદર વાતાવરણ હોય ત્યાં ચકલીઓ રહેવાનું વધુ પસંદ કરે છે. ચકલી ઇકોલોજીકલ સંતુલન જાળવવામાં આવશ્યક ભૂમિકા ભજવે છે. તેઓ વિવિધ જીવાતોને ખાઈને જંતુઓની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તદુપરાંત, પરાગનયન અને બીજના વિસ્તરણમાં ચકલી મુખ્ય ભૂમિકા ભજવે છે. તેની હાજરી જૈવવિવિધતામાં વધારો કરે છે, જે તેમને ગ્રામીણ અને શહેરી એમ બંને પ્રકારની ઇકોસિસ્ટમના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ બનાવે છે.ભારતમાં, ચકલી સહિયારા ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રતીક છે. હિન્દીમાં “ગોરૈયા”, તમિલમાં “કુરુવી” અને ઉર્દૂમાં “ચિર્યા” જેવા વિવિધ નામોથી જાણીતી ચકલીઓ પેઢીઓથી દૈનિક જીવનનો એક ભાગ રહી છે. વિશ્વભરમાં ચકલીની ચાલીસથી વધુ પ્રજાતિ છે. જેમાં હાઉસ સ્પેરો, સ્પેનીશ સ્પેરો, સિંડ સ્પેરો, ડેડ સી સ્પેરો, ટ્રી સ્પેરો તેમજ વિવિધ દેશના વાતાવરણ પ્રમાણે જોવા મળતી સોમાલી, પિંકબેક, લાગો, શેલી, સોકોત્રા, ક્યુરી, કેપ, નોર્થન ગ્રે હેડેડ, સ્વાંસો, સ્વાહિલી, ડેઝર્ટ, સુડાન ગોલ્ડ, અરેબિયન ગોલ્ડ, ચેસ્ટનટ સહિતની પ્રજાતિઓ જોવા મળે છે. ચકલી તેના ખુશખુશાલ ગીતોથી વાતાવરણને સુમધુર કરી દે છે. આ ઉપરાંત ધર્મગ્રંથોમાં પણ ચકલીનું મહત્વ દર્શાવ્યું છે. શીખોના ધર્મગુરુ નાનક સાહેબ ખેતરની રખેવાળી કરતા ત્યારે તેમના ખેતરની આસપાસના ખેડૂતો ખેતરમાં આવતા પક્ષીઓને ઉડાડતા હતા, જ્યારે ગુરુનાનક સાહેબ પક્ષીઓને ખેતરમાંથી દૂર કરવાને બદલે ‘‘ખાલો ચીડીયા ભર ભર પેટ…” કહીને નિમંત્રણ આપતા હતા.હાલના ઝડપી યુગમાં આધુનિકીકરણ અને શહેરીકરણના કારણે દિવસે ને દિવસે ચકલીની પ્રજાતિ લુપ્ત થતી જાય છે. ચકલીના સંરક્ષણ માટે મહારાષ્ટ્રના નાસિકના રહેવાસી મોહમ્મદ દિલાવરે વર્ષ ૨૦૦૮માં ‘ધ નેચર ફોરએવર સોસાયટી’ની સ્થાપના કરી હતી. તેમણે ચકલી સંરક્ષણ કરવાની પહેલ તેમના ઘરમાં રહેતી ચકલીઓને બચાવવાથી કરી હતી ગુજરાતમાં પણ વર્ષ ૨૦૦૮થી અમદાવાદના શ્યામલ વિસ્તારમાં રહેતા જગતભાઇ કીનખાબવાળા દ્વારા “ચકલી બચાવો અભિયાન” શરૂ કરાયું હતું. આ ઉપરાંત આ અભિયાન થકી રાજ્યના અનેક જિલ્લાઓમાં ચકલીના માળાઓ, પાણી માટે કુંડાઓનું વિતરણ અને બાજરી અથવા કણકીના દાણાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ સામાજિક સંસ્થાઓ અને પ્રતિનિધિશ્રીઓ દ્વારા ઠેર-ઠેર ચકલી અને અન્ય પંખીઓ માટે માળાઓ અને કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
ત્યારે, ચાલો આપણે સૌ આ ચકલી દિવસ નિમિત્તે ચકલી સંરક્ષણ માટે કટિબદ્ધ થઇએ.




