ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આગામી તા. ૨૩ સપ્ટેમ્બર ના રોજ આયુર્વેદ થીમ સાથે ફોર પીપલ એન્ડ પ્લેનેટ ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવનાર છે. જે અન્વયે ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આયુર્વેદ પ્રત્યે જનજાગૃતિ કેળવાય, લોકો વધુને વધુ આયુર્વેદની સેવાઓનો લાભ મેળવે તથા સ્વસ્થ તથા શક્તિશાળી સમાજનું નિર્માણ થાય તેવી સરકારશ્રીની ભાવને ચરિતાર્થ કરવા માટે આગામી તા.૨૩ ના રોજ જનરલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે સેમીનાર હોલમાં સવારે ૧૦-૩૦ કલાકે કાર્યક્રમ યોજાશે.સશક્ત ભારત અભિયાનની ઉજવણી અને પોષણ માહ અંતર્ગત રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે કુપોષણમાં આયુર્વેદના યોગદાન વિષયક બાળકોને પોષણની સમજ આપતા કક્કો, એબીસીડી ના બેનરનું વિમોચનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા સંકલિત મહિલા સ્વાસ્થ્ય માટે આયુષનું મહત્વ વિષયક ઇ-બુકનું વિમોચન પણ કરવામાં આવશે. જનરલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે આયુર્વેદ અને આયુષ સારવારનો વ્યાપ વધારવા માટે ભારત સરકાર દ્વારા ‘આયુષ વીંગ” ની મંજૂરી આપવામાં આવેલ છે, જેનો શુભારંભ પણ આ કાર્યક્રમના દિવસે કરવામાં આવશે. સાથોસાથ રોજીંદા આહાર વિહાર, રસોડા અને આસપાસની ઔષધિઓ, દિનચર્યા, ઋતુચર્યા વિગેરે જેવા વિષયોની વિશેષ માહિતી લોકોને મળી રહે તે માટે આયુર્વેદ ની વિશેષ પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખશ્રી હરેશભાઇ ઠુંમર, જૂનાગઢના મેયરશ્રી ધર્મેશભાઇ પોશીયા. જૂનાગઢ ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, કેશોદ ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્યશ્રી ભગવાનજીભાઇ કરગઠીયા, માણાવદર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ લાડાણી તથા વિસાવદર ધારાસભયશ્રી ગોપાલભાઇ ઇટાલીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ ના ડીન શ્રી, જનરલ હોસ્પિટલ જૂનાગઢ ના સુપ્રીટેન્ડન્ટશ્રી, સીવીલ સર્જનશ્રી તથા અન્ય ગણમાન્ય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં સહભાગી બનવા અને આયુર્વેદનો વધુમાં વધુ લાભ લેવા આથી જિલ્લા આયુર્વેદ અધિકારી, જૂનાગઢ દ્વારા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ