
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુર તાલુકાના રીંછવાડ ગામે બામણી તળાવ પાસે રસ્તા પર બિનવારસી લાશ મળી આવતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રીંછવાડ ગામ નજીક આવેલા બામણી તળાવ પાસે એક બિનવારસી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. રોડ પર લાશ પડેલી જોવા મળતાં સ્થાનિક લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ થતાં માલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે લાશનો કબજો લઈ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ થઈ શકી નથી. હાલ પોલીસે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું છે કે કેમ તે સહિત તમામ દિશામાં તપાસ શરૂ કરી છે.પોલીસે મૃતકની ઓળખ અંગે કોઈ માહિતી હોય તો માલપુર પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરી છે. સમગ્ર ઘટનાને લઈને માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




