કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાના ખેડૂત લાભાર્થીઓની મુલાકાત લેતા- જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન
મૂકેશ પરમાર,,નસવાડી
ભારતના અર્થતંત્રના પાયામાં કૃષિ રહેલી છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ મહત્વની ભૂમિકા ભજવે છે.કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી ધરતીપુત્રોને આર્થિક અને સાધન સહાય આપવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લામાં કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓની સહાયના ખેડૂત લાભાર્થીઓ વિકાસની નવી કેડી કંડારી રહ્યા છે.છોટાઉદેપુર,પાવીજેતપુર,બોડેલી અને સંખેડા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોની જિલ્લા કલકેટરશ્રી ગાર્ગી જૈને મુલાકાત લીધી હતી.
પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત દરમિયાન કલેકટરશ્રીએ પ્રાકૃતિક ખેતીમાં ઘનજીવામૃત, જીવામૃત બનાવવાની પદ્ધતિ તેના ઉપયોગ,ડિઝીટલક્રોપ સર્વે,મોડેલ ફાર્મ, સ્વરોજગાર નર્સરી,પાકમાં જંતુનાશક દવા, ઉત્પાદનનું માર્કેટ,ખેડૂતોની આવક વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેઓએ ગુજકો માસોલ ડેપો પર ઓનલાઇન ખાતર વિતરણ, નેનો યુરિયા અને જંતુનાશક દવાઓ પર ખેડૂતોને મળતી સબસીડીની જાણકારી મેળવી હતી.ખેતીકામમાં વપરાતા સાધનો વિશે જાણકારી મેળવી હતી.પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સંખેડા પશુપાલની મુલાકાત લીધી હતી.