GUJARAT

નવરચિત કદવાલ તાલુકાની નવિન મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રી

 

મુકેશ પરમાર,,નસવાડી

રાજયના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજય મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે, ગાંધી જયંતિ અને વિજયા દશમીના પાવન દિવસે, કદવાલ મથકથી નવરચિત કદવાલ તાલુકાની નવિન મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે, ગાંધી જયંતિ અને વિજયા દશમીના પાવન દિવસની શુભકામના પાઠવતા તાલુકાવાસીઓને જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ ૨૦૧૩માં નવા ૨૩ તાલુકાઓની રચના કરી હતી. ત્યાર બાદ પ્રથમ વાર સૌથી વધુ સંખ્યામાં ૧૭ નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે નિર્ણય કર્યો છે.આ વહિવટી વિકેન્દ્રીકરણથી ગ્રામીણ પ્રજાજનોને પોતાના ગામથી નજીકમાં જ તાલુકા કક્ષાની સેવાઓ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધાઓ મળી રહેશે.  ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુર જિલ્લાને એક નવો કદવાલ તાલુકો મળવાથી જિલ્લામાં કુલ ૭ તાલુકાઓ થઈ ગયા છે. જેથી હવે છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, સંખેડા, બોડેલી, જેતપુર પાવી અને કદવાલ એમ કુલ ૭ તાલુકાઓ અસ્તિત્વમાં આવ્યા છે.જેતપુર પાવી તાલુકામાંથી છુટા પડેલા આ નવા કદવાલ તાલુકામાં કુલ ૧૭ ગ્રામ પંચાયતોના ૪૩ ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી મલકાબહેન પટેલ, સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, અને ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું. દરમિયાન જિલ્લા કલેકટર સુશ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પ્રાયોજના વહિવટદાર શ્રી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેકટર શ્રી શૈલેશ ગોકલાણી, બી.જે.પી. ના જિલ્લા પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા, કદવાલ સ્ટેટના રાજવીશ્રી, જિલ્લા/તાલુકાના અધિકારીઓ તથા પદાધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!