આણંદ જિલ્લા કલેક્ટરએ હાડગુડની પ્રાથમિક ગુજરાતી શાળાની આકસ્મિક મુલાકાત લીધી

આણંદ જિલ્લા કલેક્ટરએ હાડગુડની પ્રાથમિક ગુજરાતી શાળાની આકસ્મિક મુલાકાત લીધી
તાહિર મેમણ – આણંદ – 04/10/2024 – રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તમામ પાસાઓનો સમાવેશ કરવા માટે દેશભરમાં 15 હજારથી વધુ શાળાઓ પસંદ કરીને તે શાળાઓને ગુણાત્મક રીતે મજબુત કરી તે શાળાઓ અન્ય શાળાઓ માટે ઉદાહરણ રૂપ બને અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના હેતુઓ હાંસલ થાય તે માટે અન્ય શાળાઓની સાથે હાડગુડની ગુજરાતી પ્રાથમિક શાળાને પીએમ શ્રી પ્રાથમિક શાળા તરીકે પસંદ કરવામાં આવી છે. જેની આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આજરોજ આકસ્મિક મુલાકાત લીધી હતી.
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ શાળાની ભૌતિક સુવિધાઓની ચકાસણી કરી, શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્તા સંદર્ભે શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો, તેમણે આ તકે ક્લાસરૂમમાં જઈને ધોરણ 8 ના વિદ્યાર્થીઓ સાથે ગણિત અને ગુજરાતી વિષયના જ્ઞાનની ચકાસણી કરી વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણ પરત્વે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. કલેકટરએ શાળાની મુલાકાત દરમિયાન શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના જ્ઞાનની સાથે તેમને નાગરિક તરીકેના મૂળભૂત અધિકારોથી પણ વાકેફ કરી મૂલ્ય નિષ્ઠ શિક્ષણ આપવા શાળાના આચાર્ય અને શિક્ષકગણને ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.





