યુવાનોમાં તંદુરસ્તી અને શિસ્તનો સંદેશ: નસવાડીમાં સાંસદ ખેલ મહોત્સવ

મુકેશ પરમાર,, નસવાડી
નસવાડી એકલવ્ય તિરંદાજી એકેડમી ખાતે સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જશુભાઈ રાઠવા તથા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની વિશિષ્ટ હાજરી રહી હતી. ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, ભાજપ તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત ના સદાસ્યો અને આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ અવસરે સાંસદશ્રીએ પોતાના ઉદ્દબોધનમાં રમતગમતના જીવનમાં મહત્વ તથા યુવાનોમાં શિસ્ત, તંદુરસ્તી અને સ્વાવલંબનની ભાવના વિકસાવવા ખેલકૂદની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. બાદમાં રિબન કાપી સ્પર્ધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ દોડ, કુદી, થ્રોઇંગ ઈવેન્ટ્સ સહિતની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં શિસ્તબદ્ધ રીતે ભાગ લઇ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓને સાંસદશ્રી તેમજ ઉપસ્થિત મહેમાનોના વરદહસ્તે પ્રમાણપત્ર અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.





