મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે રાજ્યના નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી — ભદ્રકાળી માતાજીના દર્શન કરી રાજ્યના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : વિક્રમ સંવત ૨૦૮૨ના પાવન પ્રારંભે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે અભ્યર્થના વ્યક્ત કરી હતી કે આ નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે અને રાજ્ય પ્રગતિના નવા શિખરો સર કરે.
નૂતન વર્ષના અવસરે મુખ્યમંત્રીએ અમદાવાદના લાલ દરવાજા નજીક આવેલા પ્રાચીન ભદ્રકાળી માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરી. તેમણે રાજ્યના સર્વાંગી વિકાસ અને દરેક નાગરિકના કલ્યાણ માટે માતાજી સમક્ષ પ્રાર્થના અર્પી હતી. મંદિરમાં પૂજા બાદ મુખ્યમંત્રીએ હાજર ભક્તો અને નાગરિકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાહીબાગ સ્થિત એનેક્સી સર્કિટ હાઉસ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને સામાન્ય નાગરિકો સાથે નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું. સૌ સાથે મળીને નૂતન વર્ષના આરંભને હર્ષોલ્લાસભેર ઉજવતા સૌના ચહેરા પર આનંદ ઝળકતો હતો.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ અને ગૃહનિર્માણ રાજ્યમંત્રી દર્શના વાઘેલા, સાંસદ દિનેશ મકવાણા, અમદાવાદ મહાનગરપાલિકાની મેયર પ્રતિભા જૈન, ધારાસભ્યો તથા શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ મુખ્યમંત્રીએ શાહીબાગ ડફનાળા સ્થિત પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે રાજ્યના નાગરિકોને ‘હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને અપનાવવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપેલ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત હંમેશા આગેવાન રહ્યું છે અને નવા વર્ષમાં પણ રાજ્ય વિકાસ અને સ્વાભિમાનના નવા અધ્યાય લખશે.
નૂતન વર્ષના આ શુભ આરંભે રાજ્યમાં સર્વાંગી વિકાસ, સુખ, શાંતિ અને સમૃદ્ધિના સંકલ્પ સાથે સરકારના વિવિધ વિભાગો દ્વારા પણ લોકહિતના કાર્યક્રમોની શરૂઆત કરાઈ છે, જેનાથી સમગ્ર રાજ્યમાં ઉત્સાહ અને આશાવાદનું વાતાવરણ સર્જાયું છે.





