
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
માહિતી બ્યૂરો, ભુજ,તા-૦૪ ડિસેમ્બર : ધોરડો પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રણોત્સવ ૨૦૨૫-૨૬નો વિધિવત પ્રારંભ કરાવવા પૂર્વે ધોરડોના અફાટ આકાશમાં આથમી રહેલા નયનરમ્ય સૂર્ય અને રણની સફેદીનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રી કેમલ સફારીની સવારી કરીને રણની રમણીય સુંદરતાને નિહાળી હતી.મુખ્યમંત્રી એ રણ જોવા આવેલા પ્રવાસીઓ સાથે મુક્તમને સંવાદ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ બનેલા ધોરડો સફેદ રણના અનુભવો વિશે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી એ પ્રવાસીઓ સાથે ફોટો પડાવીને તેમના પ્રવાસને યાદગાર બનાવ્યો હતો. તેઓએ પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમાર સાથે રણમાં પ્રવાસીઓ માટેના આગામી પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા વિચારણા કરી હતી. સૂર્યના સોનેરી કિરણોની આભામાં સર્જાયેલી સમી સાંજની સુંદરતાથી મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા. આ મુલાકાત સમયે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ કેશુભાઈ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, અગ્રણી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય, પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમાર, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, ટીસીજીએલના એમડી પ્રભાવ જોશી સહિત અધિકારી ઓ, પદાધિકારી ઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.























