ચાણક્યપુરી ખાતે શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભાવપૂર્ણ ઉપસ્થિતિ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ, 16 સપ્ટેમ્બર 2025: ચાણક્યપુરી સ્થિત ડાહીબા સમાજ ભવન હોલ ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવપૂર્વક સહભાગીતા દર્શાવી હતી. હિતાશ્રય ગૌશાળા વૃંદાવન ધામના લાભાર્થે આયોજિત આ કથા સપ્તાહમાં પ.પૂ. રાધાવલ્લભ સંપ્રદાયાચાર્ય ચંદનલાલજી વિનોદલાલજી મહારાજે ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વ્યાસપીઠને વંદન કરી શ્રીમદ્ ભાગવત ગ્રંથનું પૂજન-અર્ચન કર્યું અને કથાના શ્રવણનો લાભ લીધો. તેમણે ઉપસ્થિત ભાવિકોને સંબોધતા જણાવ્યું કે, “ભાગવત કથા એ જીવનમાં આધ્યાત્મિક ઉર્જા પૂરતી એક અનોખી સાધના છે. સંતવાણી દ્વારા આપણને સતત લોક સેવા, કર્તવ્યનિષ્ઠા અને સમાજ માટે કાર્ય કરવાની પ્રેરણા મળે છે.” મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વૃંદાવનમાં ગૌશાળાના હિતાર્થે કથાનું આયોજન થવું એ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.
આ કથા સપ્તાહનું આયોજન તા. 10 થી 16 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું હતું. સમગ્ર સપ્તાહ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિતિ દર્શાવી હતી અને પ.પૂ. મહારાજશ્રીની વાણીનો લાભ લીધો હતો.
આ પ્રસંગે ધાર્મિક મહત્ત્વ સાથે સામાજિક સંદેશનો પણ વ્યાપક પ્રસાર થયો હતો. આયોજક મંડળીએ જણાવ્યું હતું કે, કથાથી પ્રાપ્ત થતી રકમ હિતાશ્રય ગૌશાળા વૃંદાવન ધામના વિકાસ કાર્યો માટે વાપરાશે.