
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુંદરા,તા.2 ઓગસ્ટ : તાજેતરમાં બ્રહ્માકુમારી વિદ્યાલય મુંદરા સેવા કેન્દ્ર ખાતે શેઠ આર. ડી. પ્રાથમિક શાળાના શિક્ષકો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં વધતા જતા તણાવ અને ડિપ્રેશન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો.કાર્યક્રમની શરૂઆતમાં બ્રહ્માકુમારી હેતલબેને પુષ્પો દ્વારા સૌનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ, મુકેશભાઈ સોલંકીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું.કાર્યક્રમમાં રાજ્યોગીની બ્રહ્માકુમારી સુશીલાદીદીએ મુખ્ય વક્તવ્ય આપતાં જણાવ્યું કે, “વર્તમાન સમયમાં બાળકોમાં તણાવ અને ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે સહનશક્તિના અભાવે તેઓ નાની નાની બાબતોમાં પણ આત્મહત્યા જેવા ગંભીર પગલાં ભરી રહ્યા છે.” તેમણે શિક્ષકોને સંબોધતા કહ્યું કે, “આપ તો ચૈતન્ય મૂર્તિઓના શિલ્પકાર છો અને તમારા શ્રેષ્ઠ માર્ગદર્શનથી જ ભાવિ પેઢીનું સુંદર નિર્માણ થશે.”
તેમણે ઉમેર્યું કે શિક્ષકો જ રાષ્ટ્રના નિર્માતા એવા બાળકોને સાચું માર્ગદર્શન આપી શકે છે. મન એક ઘોડા જેવું છે જે ભાગે છે, પરંતુ જ્ઞાનયુક્ત બુદ્ધિ રૂપી લગામથી તેને વશ કરી શકાય છે. શિક્ષકો ભારતનું શ્રેષ્ઠ ભવિષ્ય બનાવવા માટે જવાબદાર છે, કારણ કે જેવું બાળકોનું ઘડતર થશે તેવું જ રાષ્ટ્ર બનશે.
સુશીલાદીદીએ શિક્ષકોને ‘પ્રકાશપુંજ’ તરીકે સંબોધતા કહ્યું કે, જે રીતે પ્રકાશપુંજ બોટને દિશા બતાવે છે, તે જ રીતે શિક્ષકો પણ બાળકોને સારું જીવન જીવવાની દિશા બતાવવા માટે નિમિત્ત છે. આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થામાં બ્રહ્માકુમાર વિનોદભાઈ અને બ્રહ્માકુમાર અંકિતભાઈએ સુંદર સહયોગ આપ્યો. આભારવિધિ કુસુમબેને કરી હતી.



