કવાંટ તાલુકાના આમસોટા ગામમાં ૩૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કુલની તકતીનું વર્ચ્યુઅલ અનાવરણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી
ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા છોટાઉદેપુર જિલ્લા કવાંટ તાલુકાના આમસોટા ગામ ખાતે ૩૨ કરોડના ખર્ચે તૈયાર થનાર એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કુલની તકતીનું ઝારખંડ ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે વર્ચ્યુઅલ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી જશુભાઈ રાઠવાએ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કુલની વિસ્તારથી ચર્ચા કરતા જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશની સરહદ પર આવેલા આમસોટા ગામમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કુલ બનવાથી સ્થાનિક તથા આસપાસના ગામના બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ મળશે. ડિજિટલ ક્લાસરૂમ, છોકરા અને છોકરીઓના રહેવા માટે હોસ્ટેલ આમ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું કેમ્પસ મળશે. જે કુમાર અને કન્યામાં રહેલી આંતરિક શક્તિનો વિકાસ કરી ઉત્તમ ભવિષ્ય નિર્માણમાં મદદ રૂપ થશે. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઝારખંડથી જીવંત પ્રસારણ મહાનુભાવો અને ગ્રામ્યજનોએ નિહાળ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબહેન પટેલ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સાંસદશ્રી જશુભાઈ રાઠવા દ્ર્રારા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કુલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મિલનભાઈ રાઠવા, પ્રાંત અધિકારીશ્રી વિમલભાઈ બારોટ, કવાંટ મામલતદારશ્રી અમિતભાઈ ચૌધરી, કવાંટ તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી તથા ગામના વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.