BANASKANTHAGUJARATPALANPUR

રાજ્યકક્ષાના ખેલમહાકુંભમાં કરાટેની રમતમાં બનાસકાંઠા પોલીસ પરિવારના સંતાનો ઝળક્યા

26 જૂન વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજીત ખેલમહાકુંભ 2.0 – 2024 અંતર્ગત કરાટેની રમતમાં જીલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ સ્પર્ધકોએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ. જેમાં બનાસકાંઠા જીલ્લા માંથી કરાટેની રમતમાં ૧૦૦ થી વધુ સ્પર્ધકોનું રાજ્યકક્ષામાં સિલેક્શન થતાં ગત સપ્તાહ દરમ્યાન આણંદ ખાતે રાજયકક્ષાની સ્પર્ધા યુગપુરૂષ વિવેકાનંદ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, બાકરોલ રોડ, આણંદ મુકામે યોજાયેલ.આ રાજ્યકક્ષાની કરાટેની રમતમાં બનાસકાંઠા જીલ્લા પોલીસ વિભાગમાં પોલીસ હેડ ક્વાર્ટર, પાલનપુર ખાતે ફરજ બજાવતા મહિલા એએસઆઇ જાગૃતિબેન પ્રણામીના દીકરા વિનયે અન્ડર-૫૦ કિગ્રાની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ (તૃતીય નંબર), જીલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અલ્કેશદાન ગઢવીની દીકરી ફલકે અન્ડર-૪૦ કિગ્રાની કેટેગરીમાં સિલ્વર મેડલ (દ્વિતીય નંબર) તથા સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા હેડ કોન્સ. શૈલેષભાઇ લુવા ના દીકરા જયદેવે અન્ડર-૪૫ કિગ્રાની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ (તૃતીય નંબર) મેળવી બનાસકાંઠા જીલ્લા પોલીસ પરિવારનું નામ રોશન કરેલ છે. રાજ્યકક્ષાએ પ્રથમ નંબરને રૂ.૧૦,૦૦૦/-, દ્વિતીય નંબરને રૂ.૭૦૦૦/- તથા તૃતીય નંબરને રૂ.૫૦૦૦/- તેમજ જીલ્લા કક્ષાએ પ્રથમ નંબરને રૂ.૫૦૦૦/-, દ્વિતીય નંબરને રૂ.૩૦૦૦/- તથા તૃતીય નંબરને રૂ.૨૦૦૦/- નું પ્રોત્સાહક ઇનામ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર છે. પાલનપુર ખાતે કરાટે કોચ સેન્સાઇ શ્રી જયેશભાઇ પ્રજાપતિ સર પાસે કરાટે માર્ગદર્શન અને સખત મહેનતકરતા પોલીસ પરિવારના આ બાળકોમાં મહિલા એએસઆઇ જાગૃતિબેનના દીકરા વિનય પ્રણામી M.Sc. માં અભ્યાસ કરી રહેલ છે અને છેલ્લા ચૌદ વર્ષથી કરાટેની રમત સાથે સંકળાયેલ છે. કરાટેમાં બ્લેક બેલ્ટ એચિવર વિનય પ્રણામીએ અગાઉ પાંસઠથી વધુ મેડલો મેળવેલ છે. પોલીસ કોન્સ્ટેબલ અલ્કેશદાનની દીકરી ફલક ગઢવી ધોરણ-દસ માં અભ્યાસ કરી રહેલ છે અને છેલ્લા સાતેક વર્ષથી કરાટેની રમત સાથે સંકળાયેલ છે. કરાટેમાં બ્રાઉન બેલ્ટ એચિવર ફલક ગઢવીએ અગાઉ ત્રીસ થી વધુ મેડલ મેળવેલ છે. સાયબર ક્રાઇમમાં હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇના દીકરા જયદેવ લુવા ધોરણ-નવ માં અભ્યાસ કરે છે અને છેલ્લા પાંચેક વર્ષથી કરાટેની રમત સાથે સંકળાયેલ છે. કરાટેમાં બ્રાઉન બેલ્ટ એચિવર જયદેવ લુવા એ અગાઉ દસથી વધુ મેડલ મેળવેલ છે તેમજ તેના નાનાભાઇ હર્ષિલ લુવાએ તાજેતરમાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા આયોજીત રાજ્ય કક્ષાની ભારતીય સંસ્કૃતિની પરીક્ષામાં તૃતીય નંબર મેળવતાં શક્તિકુંજ હરિદ્વાર ખાતે વિશેષ તેનું બહુમાન કરી રૂ.૧૫૦૦/-નું પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવેલ છે. ખરેખર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના સંતાનો શિક્ષણ ઉપરાંત પણ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઇને રાજ્યકક્ષાએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે, જે બનાસકાંઠા જીલ્લા પોલીસ માટે ગર્વની બાબત ગણાય.

Back to top button
error: Content is protected !!