
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૦ ઓગસ્ટ : તાલુકાની નોખાણિયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી ભાઈ અને બહેનના પવિત્ર સ્નેહના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. રક્ષાબંધન નિમિત્તે રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓએ અવનવી ડિઝાઇન , રૂપ-રંગમાં કલાત્મક રાખડીઓનું સર્જન કર્યું હતું. શાળા તરફથી શ્રેષ્ઠ રાખડીઓ બનાવનારને પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત શાળામાં શિક્ષિકા બહેનોએ શિક્ષક ભાઈઓને રાખડી બાંધી હતી. બાળકોએ રક્ષાબંધન વિશેના ગીતો ગાયા હતા. શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાએ રક્ષાબંધન પર્વની ઉજવણીનો હેતુ તથા તેનો ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ સમજાવ્યો હતો સાથે શ્રી કૃષ્ણ – દ્રોપદી, અભિમન્યુ – કુંતા માતા, કર્ણાવતી – હુમાયુના દૃષ્ટાંતો વર્ણવ્યા હતા. શાળાની બાળાઓએ પોતાના હાથે તૈયાર કરાયેલ રાખડીઓ શાળાના બાળકોને કાંડે બાંધી , કુમ – કુમ તિલક કરી, મીઠું મોઢું કરાવી ભાઈઓની મંગલકમનાઓ કરી હતી. બાળકો માટે રક્ષાબંધનને લગતી ક્વિઝ અને ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. આ તકે ગામના યુવા અગ્રણી ભરતભાઇ છાંગા તરફથી શાળાના તમામ બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ નું સંચાલન શાળાના મ. શિ. બ્રિજેશ બૂચે જ્યારે આભારવિધિ લીલાધર બિજલાણીએ કરી હતી. આયોજનને સફળ બનાવવા શાળા પરિવારના કેશુભાઈ ઓડેદરા, નમ્રતા આચાર્ય, માનસી ગુસાઇ સહિતનાઓ જહેમત ઉઠાવી હતી.





